ઢાકા, 29 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની હૃદયદ્રાવક ઘટનામાં, પિરોજપુરના ડુમરીટોલા ગામમાં એક હિન્દુ પરિવારના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. જ્યારે સાહા પરિવારના સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કટ્ટરપંથીઓએ ઘરના દરવાજા બહારથી બંધ કરી આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
- સાહા પરિવારના ઘરના 5 રૂમ રાખમાં ફેરવાયા
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 ડિસેમ્બરે અજ્ઞાત હુમલાખોરોએ સાહા પરિવારના ઘરમાં આગ લગાવી દીધી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં પાંચ રૂમ બળીને ખાખ થઈ ગયા હતા. તસ્લીમા નસરીને ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “હિન્દુ વિરોધી જિહાદીઓએ સાહા પરિવારના ઘરને ત્યારે સળગાવી દીધું જ્યારે તેઓ ઊંઘી રહ્યા હતા. શું દેશભરમાં હિન્દુઓ વિરુદ્ધ આ હિંસા અવિરત ચાલુ રહેશે?”
આ પણ વાંચોઃ અમેરિકા જ હવે અસલી સંયુક્ત રાષ્ટ્ર: ટ્રમ્પના UN પર પ્રહાર
માત્ર પિરોજપુર જ નહીં, પરંતુ ચટગ્રામના રાઉજાન વિસ્તારમાં પણ ભયાનક સ્થિતિ છે. અહેવાલો મુજબ રાઉજાનમાં પાંચ દિવસની અંદર અલગ-અલગ ત્રણ સ્થળોએ 7 હિન્દુ પરિવારોના ઘરો સળગાવી દેવામાં આવ્યા છે. હુમલાખોરો પરિવારોને જીવતા સળગાવવાના ઈરાદે ઘરના દરવાજા બહારથી બંધ કરી દે છે. તાજેતરમાં એક પરિવારના 8 સભ્યોએ પતરાં અને વાંસની વાડ તોડીને માંડ જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં ઘરનો સામાન તો રાખ થયો જ છે, પરંતુ ગમાણમાં બાંધેલા પાળતુ પશુઓ પણ જીવતા ભૂંજાઈ ગયા છે.
બાંગ્લાદેશમાં 12 ડિસેમ્બરથી અશાંતિનો માહોલ છે. વિદ્યાર્થી નેતા ઉસ્માન શરીફ હાદીને ગોળી વાગ્યા બાદ સિંગાપોરમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાદીના મોત બાદ દેશભરમાં દેખાવો શરૂ થયા હતા, જેની આડમાં તોફાની તત્વો હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. રાઉજાન વિસ્તારમાં થયેલી આગજની મામલે પોલીસે અત્યાર સુધીમાં 5 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જોકે, લઘુમતી સંગઠનોનું કહેવું છે કે સરકાર અને પ્રશાસન હિન્દુઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે.

