Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તો પણ અમે તૈયાર છીએઃ જગદિશ ઠાકોર

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે આજે કાર્યભાર સંભાળ્યો હતો. અમદાવાદ સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે  જગદીશ ઠાકોર પ્રદેશના સિનિયર આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા હતા. આ નિમિતે કોંગ્રેસના કાર્યકરોએ કેક કાપી ઊજવણી કરી હતી. નવ નિયુક્ત પ્રમુખે  ડૉ.ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ નિમિતે પાલડી સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય બહાર સ્ટેજ ગોઠવાયું હતું. અને, આ નિમિતે રાજ્યમાંથી મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદિશ ઠોકોરને પક્ષના સિનિયર નેતાઓ આવકાર આપ્યો હતો. પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ કાર્યકરોને સંબોધતા જગદિશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને જવાબદારી સોંપી છે. મને ગૌરવ છે, હું ગુજરાતી અને કોંગ્રેસી છું. કોંગ્રેસની વિચારધારાને વરેલો છું. કોંગ્રેસમાં એકતા છે, વિજય રૂપાણીની સરકાર બદલાઈ છે અને તેમાંથી ડ્રોપ થયેલાઓ ભેગા થયા હોય એનો ફોટો તો બતાવો. અમે પાંચ પાંડવોવાળા છીએ 100 કૌરવોવાળા નથી. ખેડૂતો અને 50 લાખ બેરોજગાર પ્રાયોરિટી છે. કોંગ્રેસની સરકાર લાવો અને પહેલી કેબિનેટમાં જ લીલીપેનથી સહી કરી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

તેમણે વધુમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી વહેલી આવી જાય તો પણ તૈયાર જ છીએ. અમે ચૂંટણીથી નથી ગભરાતા.તમે લિસ્ટ બનાવો કે આનું પૂરું કરવું છે. આવાનું ગુજરાતની જનતાએ પૂરું કરવાનું છે. પદ આજે છે અને કાલે નથી. અમારે ત્યાં પદ બદલવાની પરંપરા પારિવારિક છે. તમારા ત્યાં કિન્નખોરી અને જો હુકમી છે. નાની મોટી ભૂલો અમારાથી થઈ છે. હું અહીં જ ઉભો રહીશ. ગામે ગામ પદયાત્રા કરો.

અત્રે ઉલ્ળેખનીય છે કે, જગદીશ ઠાકોર પદગ્રહણ કર્યું તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી. આ દરમિયાન હાર્દિક પટેલની રાહ જોવામાં આવી હતી. તેની પાંચ મિનિટ સુધી કેક કાપવા માટે જગદીશ ઠાકોરે રાહ જોઈ હતી.બાદમાં જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ શરૂ થયો હતો.