Site icon Revoi.in

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને નિવારવા પકૃતિ તરફ પાછા ફરવું પડશેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ રાસાયણિક ખેતીના કારણે જળ, જમીન અને પર્યાવરણ પ્રદૃષિત થાય છે. જમીનની ફળદ્રુપતા ક્ષીણ થતા કૃષિ ઉત્પાદન સતત ઘટતુ રહયું છે તેમજ લોકો અસાધ્ય બિમારીનો ભોગ બની રહયા છે. ત્યારે રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોને નિવારવા આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે અને પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.તેમ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.

ઠાસરા તાલુકાના હરીપુરા મુકામે  કચ્છ કડવા પાટીદાર કૃષિ સમાજ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતુ કે, ધાર્મિક સંસ્થાનો માનવ સમાજની સેવામાં પ્રવૃત લોકોનું  પથદર્શન કરી માર્ગદર્શન આપે છે. તેમણે કચ્છ કડવા પાટીદાર સમાજની ધાર્મિક, સામાજિક અને વ્યવસાયિક પ્રવૃતિને આ તકે બિરદાવી હતી અને જણાવ્યું હતું કે,  સમગ્ર વિશ્વમાં પાટીદાર સમાજ પથરાયેલો છે અને તેઓએ ગુજરાતની સાથે સાથે દેશનું પણ નામ રોશન કર્યુ છે. વિશ્વના દેશોને ભારત એક આધ્યાત્મિક રાષ્ટ્ર છે તેની પ્રતીતિ કરાવી છે.

પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અંધાધૂંધ ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનના દુષ્પ્રભાવને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ ક્રાંતિકારી પરિવર્તન છે.  પ્રાકૃતિક ખેતીથી  જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનાં પડકારનો સામનો કરી રહ્યું છે. તેનું કારણ પાણી અને વાતાવરણનું  પ્રદૂષણ છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના કારણે પ્રદૂષણ ફેલાયું છે. આજે શ્વાસ લેવાની હવા પણ પ્રદૂષિત થઈ છે. પ્રાકુતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહેશે. પાણીનો કુદરતી રીતે જમીનમાં સંગ્રહ થશે અને વાતાવરણ શુદ્ધ થશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જનાર્દન હરીજી મહારાજે જણાવ્યું હતુ કે, પાટીદાર સમાજ આધ્યાત્મિક, ધાર્મિક અને ભાઇચારાની ભાવનાથી જોડાયેલો છે. દેશ અને ધર્મની  ચિંતા કરતો આ સમાજ છે. પશુપાલન, ટપક સિંચાઇ, ખેતીની સાથે સાથે ધાર્મિક રીત રીવાજોને ઉજાગર કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તમ સંસ્કાર જ શ્રેષ્ઠ સમાજનું નિરુપણ કરે છે.  આ પ્રસંગે  જ્ઞાનેશ્વર મહારાજે જણાવ્યું હતુ કે, આજે અહી ધાર્મિક સંસ્કાર સાથે પ્રાકૃતિક કૃષિના જ્ઞાનનો સંગમ થયો છે. જેનાથી જીવનનાં સંસ્કાર અને કૃષિના સંસ્કાર મજબૂત થશે. તેમણે પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક પધ્ધતિ સાથે પુરેપુરી અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો.