કોલકાતાઃ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા બીજા તબક્કાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન એક બાંગ્લાદેશી વ્યક્તિએ સ્વીકાર્યું છે કે ભારતીય મતદાર ઓળખપત્ર મેળવવા માટે તેણે પોતાના પિતાના નામની જગ્યાએ પોતાની પત્નીના પિતાનું નામ લખાવ્યું હતું. 35 વર્ષ પહેલાં ભારત આવેલો આ વ્યક્તિ, મોહમ્મદ ખલીલ મોલ્લાએ કહ્યું કે, તેને 2023માં મતદાર કાર્ડ મળ્યું અને તે ભારતીય નાગરિક નથી. કાર્ડ બનાવવા માટે પિતાના નામવાળા વિભાગમાં તેણે સસરાનું નામ આપી દીધું હતું. ખલીલ શરૂઆતમાં તોપસિયામાં રહ્યો, બાદમાં હાવડા, અમતા અને અંતે ઉલુબેરિયા તાલુકાના શ્રીરામપુરમાં સ્થાયી થયો હતો.
સ્થાનિક લોકોએ કરેલા આરોપ મુજબ, શેખ રેજાઉલ મંડલ નામની બીજી વ્યક્તિએ પણ મતદાર કાર્ડ બનાવવામાં પિતાના નામની જગ્યાએ સસરાનું નામ આપ્યું હતું. SIRની ચકાસણી દરમિયાન વ્યક્તિના પિતાનું નામ ઇકલાસ મંડલની જગ્યાએ સસરું ઇકબાલ મંડલ લખાયેલું મળી આવ્યું હતું. જ્યારે પૂછપરછ થઈ ત્યારે તેની પત્નીએ કહ્યું હતું કે, “અમે શું કરી શકીએ? મારા પિતા અને મારા પતિના પિતા મતદાર ઓળખપત્રમાં એક જ છે કે નહીં મને ખબર નથી.”
SIR ચાલી રહી છે તે સમયે આવા કિસ્સા સામે આવતા ઘણા લોકોમાં ચિંતા ફેલાઈ છે કે, શું તેમના નામો મતદાર યાદીમાં રહેશે? શું હાલના દસ્તાવેજ માન્ય ગણાશે? CAA હેઠળ અરજી કરવાથી મતાધિકારમાં કોઈ ફેરફાર થશે કે નહીં? ચૂંટણીપંચ દ્વારા 24 જૂનથી શરૂ કરાયેલ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, મતદાર યાદીમાં પાત્ર નાગરિકોને સામેલ કરવા અને અપાત્ર નામોને દૂર કરવા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ચૂંટણીપંચની જાહેરાત બાદ બીજા તબક્કામાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સહિત 9 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ સરકારની કાર્યવાહીથી ડરીને બંગાળમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો પરત પોતાના દેશ રહી રહ્યાં છે.

