Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા વિસર્જન કરીને પરત જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મોટી ઘટના સામે આવી છે. દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર અજાણ્યા શખ્સોના ટોળાએ બોમ્બથી હુમલો કર્યો હતો. બોમ્બના પ્રચંડ અવાજના કારણે નાસ-ભાગ મચી ગઈ હતી. જે બાદ ટોળાએ તોડફોડ કરી હતી. આ હુમલો ત્યારે બન્યો જ્યારે દુર્ગાપુરમાં અન્નપૂર્ણા વિસ્તારના લોકો દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહ્યાં હતા તે સમયે બન્યો હતો. હુમલો કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.

એસીપી ધ્રુવજ્યોતિ મુખર્જીએ જણાવ્યું હતું કે, આ હુમલામાં કેટલાક લોકોને ઈજા થઈ છે. તેમની સારવાર કરાવવામાં આવી રહી છે. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જો કે, પોલીસ ગણતરીના દિવસોમાં જ હુમલાખોરોને ઝડપી લઈને જેલમાં ધકેલી દેવામાં આવશે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, દુર્ગા વિસર્જન પછી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા. દરમિયાન બીજુ એક ગ્રુપ દારુ પીવા ખરીદવા માટે નાણા માંગી રહ્યું છે.  જે બાબતે તકરાર થઈ હતી. આ સમયગાળામાં જ એક ગ્રુપ દ્વારા બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ વાહનોમાં તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.