Site icon Revoi.in

વરસાદનું આગમન ક્યારે…જાણો હવામાન વિભાગ શું કહે છે?

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં મેઘરાજાની રિંસામણાથી ખેડુતો ચિંતિત બન્યા છે. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ રાજ્યમાં પૂરતો વરસાદ થયો નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન હજુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. અનેક ખેડૂતો ચિંતિત છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદની સંભાવના નથી.

હવામાન વિભાગના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની કોઈ સંભાવના નથી. ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની સંભાવના નથી. અત્યાર સુધી હવાનું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે.  દરમિયાન હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટરે કહ્યું હતું  કે, 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજીતરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે. આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે.