Site icon Revoi.in

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિક શક્તિ જોડાય ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય: CM

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે.

રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના 125 સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તીર્થયાત્રા ગુરૂવારે ગાંધીનગરના અડાલજ ખાતેના ત્રિમંદિર પહોંચી હતી. આ યાત્રાના સંન્યાસીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રઘાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં લોકોની સેવા કરવાનો અવસર અમને મળ્યો છે, ત્યારે રાજય સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણ યોજનાના સુફળ પહોંચે તે માટે અવિરત પુરૂષાર્થ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, જયારે વ્યક્તિ પોતાના કર્તવ્યપથથી ભટકે છે ત્યારે ધર્મ જ તેને સાચી દિશાનું દર્શન કરાવે છે. આ અવસરે ઉપસ્થિત આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે સંતગણને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતા. અગ્રણી  રત્નાકરજીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સંતશક્તિને જોડવાથી દેશ સામેના પડકારોનો  સામનો કરવાની નૂતન ઉર્જા મળે છે. આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના નિખિલેશ્વરાનંદજીએ  રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રા સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યાત્રામાં 20 રાજયો તેમજ બાંગ્લાદેશ તથા નેપાળથી આવેલા 125 સંન્યાસીઓ જોડાયા છે. સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં જે સ્થળોની મુલાકાત લીધી તે સ્થળોની આ તીર્થયાત્રા દરમિયાન સંન્યાસીઓ મુલાકાત લેશે. તેમણે ગુજરાતમાં આવેલાં વિવેકાનંદ મેમોરીયલને અદ્યતન બનાવવા અંગેની માહિતી આપી હતી. રામકૃષ્ણ મિશન અમદાવાદના સ્વામી પ્રભુસેવાનંદજીએ મહાનુભાવોને સત્કાર્યા હતા

Exit mobile version