સુરતઃ ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ 345 ફૂટની સપાટીએ છલોછલ ભરાયેલો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6729.90 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયેલું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉકાઈ ડેમની ડાંબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકમાં મંત્રી પટેલે કહ્યુ હતું કે, મેધરાજાની અસીમ કૃપાની ઉકાઈ ડેમમાં પુરતી જળરાશીનો સંગ્રહ થયો છે ત્યારે પાણીરૂપી પારસમણીનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડુતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે ખોટી રીતે પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર ભાર મૂકયો હતો. ડિસેમ્બર-21થી જાન્યુ.-22 દરમિયાન અંદાજે 25 દિવસ દરમિયાન આધુનિક અને મરામતના કામો માટે બંધ રાખવામાં આવશે. આ પ્રસંગે ઉકાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ તથા સિંચાઈના અધિક્ષક ઈજનેર જે.સી.ચૌધરી તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત રવિ પાકની સિઝન માટે 115000 હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ 34000 હેકટર મળી કુલ 149000 હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન 105000 હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ 31000 હેકટર મળી કુલ 136000 હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સુચીત રોટેશન ધડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલુ, બીજુ, ત્રીજુ અને ચોથા રોટેશન વર્તમાન નવેમ્બર-2021થી લઈ જુન 2021 દરમિયાન ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે 176 દિવસ પાણી વહેવડાવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.