Site icon Revoi.in

જીરૂનો નવો પાક તૈયાર થયો નથી, ત્યારે બોટાદ યાર્ડમાં જીરૂના ભાવ મણના રૂપિયા 6000 પહોંચ્યાં

Social Share

બોટાદઃ જીરૂના રવિપાકને બજારમાં આવતા હજુ દોઢ મહિના જેટલા સમય બાકી છે, ત્યારે જીરૂના ભાવ આસમાને પહોંચ્યા છે. જૂનો પુરવઠો અને નવા પાકમાં ભારે કાપ મૂકાશે એવા ભયને લીધે ભાવ રોજબરોજ નવી ટોચ બનાવી રહ્યા છે. બોટાદ યાર્ડમાં મણે રૂ. 6000નો ઐતિહાસિક ઉંચો ભાવ થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જીરુંની અત્યારે અંત સીઝન છે પણ નવો પાક દોઢેક મહિનામાં બજારમાં આવશે ત્યારે ખૂબ સારા ભાવ પ્રાપ્ત થશે એવી આશા ખેડૂતોને બંધાઇ ગઇ છે.
છેલ્લાં પંદર દિવસથી જીરુંના ભાવમાં તેજીનો માહોલ છે પણ અઠવાડિયાથી તેજી ખૂબ ઝડપી બની ગઇ છે. ભાવ રોજ નવું શિખર બતાવે છે.

બોટાદ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  ડિસેમ્બર મહિનામાં જીરુંના ભાવમાં રૂ.1000થી 1200નો ઉછાળો એક મણે આવ્યો છે. જથ્થાબંધ બજારમાં કિલોએ રૂ. 50થી 60 વધ્યા છે, રિટેઇલમાં તો ભાવ પૂછાય એવો રહ્યો નથી. એક કિલોએ રૂ. 350-400માં વેચાય છે. સામાન્ય રીતે બેસ્ટ જીરું રૂ. 200-250માં મળતું હોય છે. પરંતુ આ વખતે જીરૂના ભાવે રેકોર્ડ સર્જ્યો છે. બોટાદ માર્કેટ યાર્ડમાં ગુરુવારે જીરુંના ભાવે નવો રેકોર્ડ બનાવતા રૂ. 3595-6035 સુધી વેચાયું હતું. જીરુંના મુખ્ય મથક ગણાતા ઊંઝામાં પણ ક્યારેય રૂ. 6000નું મથાળું જોવા મળ્યું નથી. આમ મસાલા બજારમાં જીરું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગોંડલમાં બુધવારે અને રાજકોટમાં ગુરુવારે રૂ. 5850નું ટોપ બન્યું હતું.
જીરાની ખરીદ કરનારા વેપારીઓના કહેવા મુજબ ગુજરાતમાં આ વખતે જીરાનું વાવેતર ઓછું  થયું છે અને જૂનો સ્ટોક નવી સીઝનમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં કેરીઓવર થવાનો હોવાથી તેજી જોવા મળી રહી છે. વાવેતર થયા છે તેમાં ઉગાવાની વ્યાપક સમસ્યા છે કારણકે ઠંડી ખૂબ મોડે મોડે શરૂ થઇ છે. રમઝાનને લીધે માગ પણ વધી છે આમ તમામ કારણો એકઠાં થયા છે. ગુજરાત સરકારના ચોપડે જીરું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયું છે. પાછલા વર્ષમાં 2.74 લાખ હેક્ટરમાં હતું. સરેરાશની તુલનાએ હજુ 62 ટકા વાવેતર છે. અલબત્ત વાવેતર હજુ વધશે છતાં ગયા વર્ષ કરતા વધારે થાય એવી શક્યતા પાતળી દેખાય છે. જીરુંના ભાવ હાલ સારા માલમાં સરેરાશ રૂ. 5800 સુધી બોલાય છે. એમાં આવનારા દિવસોમાં વધઘટે રૂ. 300-400ની તેજી બજારના વેપારીઓને દેખાય રહી છે.