Site icon Revoi.in

અજ્ઞાત ઍન્ટાર્ક્ટિકા પર કોનું આધિપત્ય સ્થપાશે?

Social Share

(સ્પર્શ હાર્દિક)

અવકાશગમન કરનાર ચંદ્રયાન-૩ જેવું કોઈ મિશન હોય કે અન્ય કશા સ્પેસ પ્રોગ્રામની વાત હોય, ઘણાં લોકોની દલીલ એવી રહે છે કે પૃથ્વી પર જ હજુ ઘણું બધું ખોળવાનું બાકી છે. આવી વાતનો ભાવાર્થ એવો છે, કે અવકાશની પેલે પાર જઈને અજ્ઞાતને અડકવાની ઇચ્છા મનુષ્યએ હાલ ડામી દેવી જોઈએ, જોકે માનવજાતિના જ્ઞાનનું વિસ્તરણ થવું જોઈએ એવું દૃઢતાથી માનતો કોઈ પણ માણસ એમાં સહમત ન થાય. પરંતુ પૃથ્વીને હજુ સુધી આપણે પૂર્ણપણે ખૂંદી નથી વળ્યા એ હકીકત સ્વીકારવી રહીં. 

ક્લાયમેટ ચેન્જ ગંભીર વિષય છે અને આપણે ઘણીવાર ધ્રુવ પ્રદેશોમાં પીગળતી હિમશિલાઓની ઇમેજ કે વિડિઓ જોયેલા છે. પ્રબળ સંભાવના છે કે આવનારા થોડા દાયકાઓ પછી ધ્રુવ પ્રદેશો આજના જેટલાં ઠંડા-થીજેલા નહીં રહે અને ત્યાંની ધરાનો હિસ્સો ધીમે ધીમે મનુષ્ય માટે અનાવૃત થતો જશે. ઉત્તર ધ્રુવમાં કોઈ પ્રોપર ખંડ નથી, પણ કેનેડા,  ગ્રીનલૅન્ડ(ડેન્માર્ક), રશિયા, અમેરિકા અને ઉત્તર યુરોપના થોડા દેશોની છેક ઉત્તરની સરહદનો વિસ્તાર આર્ક્ટિક સર્કલમાં આવે છે. બરફ પીગળતો રહેશે તો ત્યાં નવા જળમાર્ગો માટે અવકાશ થશે અને એ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્વ પણ વધી જશે. 

સાત ખંડોમાંનો એક, છેક દક્ષિણે આવેલો ઍન્ટાર્ક્ટિકા અત્યંત પ્રતિકૂળ આબોહવાને કારણે મનુષ્યજાતિ માટે આજેય અપરાજેય છે, પરંતુ સંશોધન જેવા હેતુઓથી ત્યાં અલ્પ સંખ્યામાં, ઋતુ પ્રમાણે વધતાં-ઘટતાં, આશરે હજારથી પાંચ હજાર લોકોની હાજરી રહે છે ખરી. ત્યાં અવારનવાર ફરવા જતા પ્રવાસીઓની સંખ્યા અલગ. આવનારા સમયમાં ઠંડી સામે રક્ષણની અને ત્યાંની પ્રતિકૂળ આબોહવામાં ટકવા મદદ કરનારી ટૅક્નોલોજીનો સાથ મળતો જશે એટલે ત્યાં મુલાકાત લેનારા અને સંશોધન માટે દીર્ઘ રોકાણ કરનારાં લોકોની સંખ્યા ચોક્કસ વધવાની. એ ધરતી પર કોઈ એક દેશની માલિકી ન હોવાથી ત્યાં જો માણસો વચ્ચે ઘર્ષણ કે જટિલ વિખવાદ થશે તો એનો ઉકેલ કેવી રીતે લાવવો, એ પ્રશ્ન પણ ઊભો થવાનો. 

ઘણા દેશોએ ઍન્ટાર્ક્ટિકાના આંશિક ભૂભાગ પર હકદાવો દર્શાવેલો છે. ભારત સહિત અન્ય દેશોના ત્યાં સંશોધન કેન્દ્રો પણ કાર્યરત છે. દાવો કરનારા દેશોએ સમયાંતરે, ઍન્ટાર્ક્ટિકા મનુષ્યની લાલચનું શિકાર ન બની જાય એ માટે ત્યાં મિલિટરાઝેશન, ખનિજ તત્ત્વો માટેનું ઉત્ખનન, કોઈ પણ પ્રકારના વિસ્ફોટકોનું પરીક્ષણ અથવા રેડિઍક્ટિવ કચરાના નિકાલ જેવી પ્રવૃત્તિઓને એકસૂરમાં નકારતી સંધિ કરેલી છે. એના બદલે એ ધરાનો ફક્ત શાંતિપૂર્વક વૈજ્ઞાનિક સંશોધનો માટે જ ઉપયોગ કરવો એ મુદ્દે સહમતી સ્થપાયેલી. કિન્તુ ક્યાં સુધી આ સંધિ કે સહમતીનો આદર થશે એ તો સમય જ જણાવશે. 

અત્યારે ત્યાં ભલે હિમનું સામ્રાજ્ય હોય, પણ ભવિષ્યમાં બરફની જાડી ચાદરો નીચેના ભૂગર્ભમાંથી કોલસો, ક્રુડ ઑઇલ અને નેચરલ ગેસ જેવું ઇંધણ તથા યુરેનિઅમ અને કોપર જેવી મૂલ્યવાન ખનિજ ધાતુઓ નીકળે એવી શક્યતા નકારી ન શકાય. ઉપરાંત, થીજી ગયેલું શુદ્ધ પાણી ભલે અત્યારે એટલું અગત્યનું તત્ત્વ ન ગણાય, પણ ભવિષ્યમાં જો ગંભિર જળ સંકટ આવશે, તો ઍન્ટાર્ક્ટિકાની હિમશિલાઓ પર માલિકી સ્થાપિત કરવા પડાપડી થઈ શકે! અરબ અમિરાતની એક એન્જિનિઅરિંગ કંપનીએ તો ગયા વર્ષે ઍન્ટાર્ક્ટિકાથી હિમશિલાને અલ-ફુજૈરાહ સુધી લાવવાની યોજનાની યુકેમાં પેટન્ટ પણ મેળવી લીધી છે. જોકે, વ્યાવહારિક દૃષ્ટિએ આ કેટલું શક્ય છે એ શંકાજનક, પણ ઍન્ટાર્ક્ટિકાથી હિમશિલાને ઑસ્ટ્રેલિયા કે આફ્રિકા ખંડ સુધી લાવીને ત્યાંની શુદ્ધ જળની સમસ્યા ઉકેલવાનો વિચાર જરાક ગળે ઊતરી શકે. 

કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મિલિટરી સર્વલેન્સ અને કમ્યુનિકેશનમાં ઝડપી તથા ચોકસાઈપૂર્વક માહિતી મેળવવા કે મોકલવા, એડવાન્સ ગ્રાઉન્ડ સ્ટેશન ઊભા કરવા માટે પણ ઍન્ટાર્ક્ટિકા અગત્યના સ્થળ તરીકે ધ્યાનમાં લેવાઈ રહ્યું છે. ન્યુઝિલૅન્ડની પૉલિટિકલ સાયન્સની સ્કૉલર એન-મેરી બ્રેડી કહે છે, “ઍન્ટાર્ક્ટિકાના આકાશ પર પ્રભુત્વ ધરાવનાર ઑશિએનિયા (પ્રશાંત મહાસાગરના કેટલાક ટાપુઓથી બનતો કાલ્પનિક વિસ્તાર), સાઉથ અમેરિકા અને આફ્રિકાના આકાશને નિયંત્રિત કરશે.” 

આવા ઘણાં સંભવિત કારણોને ધ્યાનમાં લઈ અત્યારથી જ મહત્વના સાબિત થઈ શકનારા લૉકેશન પર પોતાનો અડ્ડો જમાવવામાં દરેક તાકતવર દેશનો સ્વાર્થ ખરો. ભારતને હિન્દ મહાસાગરનો સીધો જ જળમાર્ગ ઍન્ટાર્ક્ટિકા સાથે જોડે છે, એ આપણા ફાયદામાં ગણી શકાય. દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી નામે આપણા દેશનાં ત્રણ શોધકેન્દ્રો પણ ત્યાં સ્થાપિત છે, પરંતુ ભારતે ઍન્ટાર્ક્ટિકાના કોઈ ભાગ પર હજુ સુધી હકદાવો નોંધાવેલો નથી. એના બદલે, ગયા વર્ષે ભારત સરકારે ‘ઇન્ડિયન ઍન્ટાર્ક્ટિક બીલ’ પસાર કરીને એ ખંડના પ્રકૃતિક વાતાવરણને હાનિ ન પહોંચે એ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કાયદાઓ ભારત સરકાર પોતાના દેશના અથવા અન્ય દેશના ભારત દ્વારા ત્યાં જતાં નાગરિકો પર લાગું પડશે. ટૂંકમાં, ઍન્ટાર્ક્ટિકા સુધી આ રીતે ભારતે પોતાના કાયદાનું ક્ષેત્ર વિસ્તાર્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઍન્ટાર્ક્ટિકા મામલે ભારત અન્ય દેશો જેવું એગ્રેસિવ ભલે નથી, પરંતુ આ મુદ્દે કશું ન કરવા જેટલું નિષ્ક્રિય પણ નથી. 

હંમેશ જેમ ચીન પણ આ મામલે કેમ પાછળ રહે? એણે પણ ત્યાં પોતાનો પગપેસારો ક્યારનો શરૂ કરી દીધો છે. ૨૦૨૦માં ચીને સ્નો ડ્રેગન-ટુ નામે ન્યુક્લિઅર આઇસબ્રેકર શિપ (થીજેલા બરફને ચીરીને જઈ શકે એવી શિપ) બનાવવાનું જાહેર કર્યું હતું. તેણે નવી સપ્લાય ચૅઇન ઊભી કરવા ઉત્તરે આર્ક્ટિક સર્કલમાંથી પસાર થનારા ‘પોલર સિલ્ક રોડ’ની પણ ઇચ્છા વ્યક્ત કરેલી, જે બનતાં સુધી હકીકત નહીં બને એવું લાગે છે. તો પણ, આવી યોજનાઓના અસ્તિત્વ હોવા માત્રથી અમેરિકાના આધિપત્ય સામે ખતરો ઊભો થયો છે. દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નાતે રશિયા પણ પોતાનો સ્વાર્થ ભાળી શક્ય હશે ત્યાં ચીનને સહકાર આપશે એવો તર્ક લગાવી શકાય છે. આવી યોજનાઓના જવાબમાં અમેરિકા પણ ૨૦૨૯ સુધીમાં ધ્રુવ ક્ષેત્રોની સુરક્ષા માટે નૌસેનાનો અલાયદો કાફલો તૈયાર કરવાનું જાહેર કરી ચૂક્યું છે. પોલર સિક્યુરિટી આઇસબ્રેકર નામનો આ કાફલો ઉત્તરે આર્ક્ટિક સર્કલમાં રશિયા અને ચીનને પણ પડકારવામાં કામ લાગશે. 

વિશ્વના અન્ય ઘણા ભૂપ્રદેશો જેમ હવે ઍન્ટાર્ક્ટિકા પણ ધીમે ધીમે, અને ખરા અર્થમાં “કૉલ્ડ વૉર”નું કેન્દ્ર બની રહ્યો હોવાના સંકેત દેખાઈ રહ્યા છે. મનુષ્યની દખલથી ન જાણે કેટલીયે સદીઓથી મુક્ત રહેલી એ થીજેલી ધરા માનવજાતિની કદી ન ઠરી શકનારી સત્તા અને સંસાધનોની ભૂખનો શિકાર બનશે તો એ આપણા ઇતિહાસમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના તરીકે લેખાશે. ધરતીને માતા માનતી અને પ્રકૃતિને વંદનીય ગણતી ભારતીય પ્રજાને મન ઍન્ટાર્ક્ટિકા કે એવાં અન્ય સ્થળો પણ પોતાની નૈસર્ગિક પવિત્રતા જાળવી રાખે એ જ મહત્વનું છે. પરંતુ જીઑપૉલિટિક્સની ગેમમાં ઍન્ટાર્ક્ટિકા મહત્વનો મોરચો બનશે એવી સંભાવના સળવળી રહ્યી છે ત્યારે ભારતે પણ પોતાનો વ્યૂહ ગોઠવવાનું શરૂ કરી દેવું આવશ્યક બનશે. 

hardik.sparsh@gmail.com