Site icon Revoi.in

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ, મકાન વિભાગ કેમ આંચકી લેવાયા ?

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર મહિના બાકી રહ્યા છે, રાજ્યની ભાજપ સરકારમાં મહત્વના વિભાગો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વના ખાતા લઈ લેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  હાઈકમાન્ડની સુચના બાદ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. જ્યારે પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગના હવાલો લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો છે. એકાએક બન્ને મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગો લઈ લેવામાં આવતા ગાંધીનગરનો રાજકીય માહોલ ગરમાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી ગણાતા હતા. અને શપથવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જ બીજા ક્રમે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમાં પણ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સ્ટાઈલથી ત્રિવેદી પણ રાજ્યમાં ગમે તે સ્થળે સબ-રજિસ્ટ્રાર કચેરી અથવા તો મહેસુલ કચેરીઓમાં દરોડા પાડીને રજિસ્ટર ચેક કરતા હતા. આ દરેક વખતે ત્રિવેદી મીડિયાને સાથે રાખતા હતા. આ બાબતે બાબુઓની ફરિયાદો કામ કરી ગઈ કે પછી રાજેન્દ્ર ત્રિવેદીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ હોવાનું બીજું કોઈ કારણ છે તે તો હવે પછી જાણવા મળશે. પરંતુ આ બધામાં હર્ષ સંઘવીને લોટરી લાગી ગઈ તે નક્કી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતના પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવાયો તે જરાક સરપ્રાઈઝિંગ છે. પૂર્ણેશ મોદી પોતાની બોલ્ડ કામગીરી માટે જાણીતા હતા અને કડકપણે પોતાના નિર્ણયોનો અમલ કરાવતા હતા. જો કે, તાજેતરના ચોમાસા દરમિયાન રાજ્યમાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાઓમાં પણ સરકારની ખાસ્સી ટીકા થઈ હતી. હવે આ ખાડાના નામે મોદી સામે કોઈ બીજો સ્કોર સેટલ કરી દેવાયો હોય તેવું પણ બની શકે છે. પૂર્ણેશ મોદી પોતાના કેટલાક નિવેદનોને લીધે પણ ચર્ચામાં રહેતા હતા. તેમની પાસેથી પણ માર્ગ-મકાન વિભાગનું મહત્વનું ખાતું આંચકી લેવાતા ભાજપના કેટલાક નેતાઓને પણ આશ્વર્ય થયુ છે.

અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની સારી કામગીરીનો રિવોર્ડ મળ્યો અને કેબિનેટમાં પ્રમોશન મળ્યું તેવું પણ કહી શકાય. હર્ષ સંઘવી પાસે ભલે ગૃહ જેવું અગત્યનું મંત્રાલય હોય પરંતુ તે હતા તો રાજ્યકક્ષાના જ મંત્રી. હવે મહેસુલ જેવું મહત્ત્વનું મંત્રાલય તેમને મળ્યું એટલે સીધું કેબિનેટમાં પ્રમોશન મળ્યું એ પણ માની શકાય. જ્યારે જગદીશ પંચાલ સહકાર અને કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હતા, જેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રિવોર્ડ અપાયાનું મનાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જન્માષ્ટમી પર્વ પર ગુજરાતમાં છે. શાહ  19મી ઓગસ્ટે પોતાના સંસદીય મતવિસ્તાર કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણજન્મોત્સવમાં પણ હાજર રહ્યા હતા. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફાર વચ્ચે તેઓની ગુજરાતમાં ઉપસ્થિતિ હતી. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે આજે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે, તે સુચક છે