Site icon Revoi.in

ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ, 1120 ટન કચરો એકઠો કરાયો

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં દેશવ્યાપી જન ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની પ્રેરણા આપી હતી. ગુજરાતમાં સફાઈ અભિયાનની સફળતાને જોતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 15 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લંબાવવામાં આવ્યું છે. જન ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાને વેગ પકડ્યો છે અને બીજી બાજુ જનતા તરફથી પણ આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સાફ સફાઈ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 25,307 સફાઈ કામદારો અને 33,552 જેટલા નાગરિકો સાફ સફાઈ માટે જોડાયા હતા. જે દરમિયાન નાગરીકોએ 55,910 કલાક કામ કરીને કુલ 1120 ટન જેટલો કચરો એકઠો કરી તેનો સુયોગ્ય નિકાલ કર્યો છે. ગુજરાતમાં સફાઈ અભિયાનની સફળતાને જોતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 15 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લંબાવવામાં આવ્યું છે.

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનનો મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક રીતે સ્વચ્છતાના આગ્રહી રહ્યા હતા. ત્યારે મહાત્મા ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા સાથે સ્વચ્છ અને નૂતન રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતે પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યુ છે. ગુજરાતને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે હજુ પણ આગામી 2 મહિના સુધી આ અભિયાન ચાલતું જ રહેશે.

Exit mobile version