Site icon Revoi.in

સાઉદી અરેબિયામાં પરિવર્તનનો ફૂંકાય રહ્યો છે પવન, દારૂબંધી હટાવી-પહેલીવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં લેશે ભાગ

Social Share

રિયાધ: ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા જે ક્યારેક કટ્ટરતા માટે દુનિયાભરમાં પંકાયેલું હતું, મોહમ્મદ બિન સલમાન અલના રાજમાં પોતાની છબીને સુધારી રહ્યું છે. સાઉદી અરેબિયા સત્તાવાર રીતે મિસ યૂનિવર્સ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. આમ કરનાર આ પહેલો ઈસ્લામિક દેશ બની ગયો છે. 27 વર્ષીય ખૂબસૂરત મોડલ રુમી અલકાહતાની દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ સાઉદી અરેબિયા માટે એક ઐતિહાસિક પગલું છે. આના પહેલા તાજેતરમાં સાઉદી અરેબિયાએ બિનમુસ્લિમ રાજદ્વારીઓને દારૂની ખરીદી કરવાની મંજૂરી આપી હતી. તેના સિવાય મહિલાઓને ગાડી ચલાવવાની અને પુરુષો સાથે કાર્યક્રમોમાં સામેલ થાની મંજૂરી આપી હતી.

27 વર્ષીય મોડલ રુમી અલકાહતાનીએ સોમવારે ઈંસ્ટાગ્રામ પર જાણકારી આપી કે તે મિસ યૂનિવર્સ પ્રતિસ્પર્ધામાં પોતાના દેશ સાઉદી અરેબિયાથી પહેલી પ્રતિસ્પર્ધી હશે. ધ ખલીજ ટાઈમ્સ અને એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, આ પહેલીવાર છે કે સાઉદી અરેબિયા મિસ યૂનિવર્સ સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યું છે.

કોણ છે મોડલ રુમી?

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધની વતની રુમીને ઈન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં ભાગ લેવા માટે ઓળખવામાં આવે છે. કેટલાક સપ્તાહ પહેલા મલેશિયામાં આયોજીત મિસ એન્ડ મિસેજ ગ્લોબલ એશિયનમાં પણ તે ભાગ લઈ ચુકી છે. અરબ ન્યૂઝના અહેવાલ મુજબ, રુમી અલકાહતાનીએ કહ્યું છે કેમારું યોગદાન વૈશ્વિક સંસ્કૃતિઓ બાબતે શીખવાનું અને સાઉદી સંસ્કૃતિ અને વારસાને દુનિયાની સામે લાવવાનું છે. મિસ સાઉદી અરેબિયાનો તાજ પહેરવા સિવાય, તેની પાસે મિસ મિડલ ઈસ્ટ (સાઉદી અરેબિયા), મિસ અરબ વર્લ્ડ પીસ 2021 અને મિસ વુમન (સાઉદી અરેબિયા)નો ખિતાબ પણ છે.

સાઉદી અરેબિયામાં થઈ રહ્યા છે ઘણાં પરિવર્તનો-

સાઉદી અરેબિયા, જે લાંબા સમયથી પોતાની રુઢિવાદિતા માટે ઓળખાય છે, હાલમાં 38 વર્ષીય ક્રાઉન્ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આરબ ઉપખંડમાં સૌથી મોટા દેશ તરીકે સાઉદી અરેબિયાએ ઐતિહાસિક રીતે કડક સામાજીક અને ધાર્મિક નિયંત્રણો જાળવી રાખ્યા ચે. જો કે તાજેતરના મહિનાઓમાં અહીં આકરા પ્રતિબંધોમાં ઢીલ જોવા મળી છે.

મહિલાઓ પરથી ઘણાં પ્રતિબંધો હટાવાયા-

સાઉદી અરેબિયામાં થઈ રહેલા આ પરિવર્તનોએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને મહિલાઓ પર પ્રતિબંધો હટાવવાને લઈને. જેમાં તેમને ગાડી ચલાવવી, પુરુષો સાથે કાર્યક્રમોમાં ભાગ લેવો અને પુરુષ ગાર્ડિયન સિવાય પાસપોર્ટ માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સાઉદી અરેબિયા, જે પોતાની કડક દારૂ નીતિ માટે જાણતું છે, તેણે તાજેતરમાં બિનમુસ્લિમ રાજદ્વારીઓને દારૂ ખરીદવાની મંજૂરી આપી છે.