Site icon Revoi.in

નર્મદા ડેમમાં સતત નવા પાણીની આવક, જળસપાટી 130 મીટરને પાર પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી રાજ્યના જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ છે. હાલ જળાશયોમાં 60 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમની જળસપાટી વધીને 130 મીટરને પાર થઈ છે.

નર્મદા ડેમમાં 24 કલાકમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે નવા પાણીની આવક થતા જળસપાટીમાં 16 સેમીનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં જંગી પાણીનો સંગ્રહ થતા આવતા વર્ષે ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીવત રહેવાની શકયતા છે, એટલું જ નહીં ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં હાલ 55થી વધારે જળાશયો છલકાયાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતનો ધરોઈ ડેમ છલકાયો છે. જેથી ડેમના 2 દરવાજા ખોડીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 6212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ રહી હોવાથી પાણીની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે. ડેમની ભય સપાટી 622 ફુટ છે અને હાલ જળસપાટી 618.50 મીટર ઉપર પહોંચી છે.

(Photo-File)