Site icon Revoi.in

ગીરની કેસર કેરીની સિઝન હવે પુરી થવાની તૈયારીમાં, સ્વાદ રસિયાઓને આ વર્ષે બહુ મજા ન આવી

Social Share

રાજકોટઃ ગીરની કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થવાની  તૈયારી છે. હવે વરસાદનું આગમન ઢૂંકડું છે ત્યારે આશરે સપ્તાહમાં ગીરની કેસર કેરી બજારમાંથી વિદાય લેશે. વાવાઝોડાં અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન આ વર્ષે  ઓછું રહ્યું હતું. સાથે  સ્વાદ અને સુગંધમાં પણ આ વખતે મજા રહી નથી એટલે કેસર કેરીના સ્વાદરસિયા નિરાશ થયા છે. તાલાળા તરફની સીઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહીવત મળતી હશે. આ વર્ષે હવે કચ્છની કેરી ઉપર જ સૌની આશા છે. પણ કચ્છની કેસર કેરીના ઉત્પાદમાં પણ મોટો ફટકો પડ્યો છે.
કેસર કેરી માટે તાલાળા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે. કેરીના નબળા પાકને લીધે તાલાળાનું સીઝનલ યાર્ડ આ વર્ષે ચાલુ જ થવાનું ન હતુ પરંતુ કિસાનોના હિત ખાતર 27મી એપ્રિલે પ્રથમ હરાજી થઇ હતી. પ્રથમ દિવસે 1500 બોક્સની આવક થઇ હતી. કેરીનો ભાવ 10 કિલોના બોક્સ દીઠ રૂ. 650-1350 હતો. જોકે ભાવ ઘટીને રૂ. 450-1000 સુધી પહોંચી ગયા હતા.કેસર કેરીની પેટીના ભાવમાં રૂ. 200-350 સુધીનો ઘટાડો આવ્યો છે. છતાં આ વર્ષે કિસાનો લાભમાં રહ્યા છે. કારણકે સારી કેરીની પેટીનો ભાવ રૂ. 1000થી નીચે ગયો નથી. અલબત્ત આ વર્ષે ઉત્પાદન ઓછું થતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે.
તાલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, યાર્ડમાં કુલ આશરે 3.36 લાખ બોક્સની આવક થઇ ગઇ છે. જે ગયા વર્ષમાં સાડા ચાર લાખ બોક્સ જેટલી હતી. ઓછાં પાકની અસર આવક પર સીધી જ થઇ છે. ઉત્પાદન ઓછું છે સપ્તાહમાં આવક પૂરી થાય એમ લાગે છે. આ વર્ષે એક દિવસમાં 25 હજાર બોક્સ કરતા વધારે આવક એક દિવસમાં થઇ જ નથી. સામાન્ય વર્ષોમાં 40 હજાર બોક્સ સુધી આવક પહોંચતી હોય છે.
કેરીના શોખિન લોકો આ વર્ષે ગુણવત્તા અને સ્વાદ પ્રશ્ને નિરાશ રહ્યા છે. કેરીના ભાવ ઉંચા છે છતાં અગાઉના વર્ષો જેવા સ્વાદ મળતા નથી. એ કારણે ઘણા લોકો આ વર્ષે કેરીથી અંતર કરી લીધું છે અથવા ખૂબ ઓછી ખરીદાય છે.