Site icon Revoi.in

લીલા શાકભાજીના ભાવ તળિયે, ખેડુતોને પુરતું વળતર મળતું નથી અને દલાલોને ધીકતી કમાણી

Social Share

અમદાવાદઃ શિયાળાના પ્રારંભથી તમામ શાકભાજીઓના ભાવમાં ક્રમશઃ  ઘટાડો થયો છે.  અને હાલ રાજ્યની અનેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લીલા શાકભાજીઓની આવકમાં પુષ્કળ વધારો થયો છે ત્યારે જથ્થાબંધ ભાવમાં 70 ટકાનો ઘટાડો થતા કિલોદીઠ રૂા. 15થી 20ની રેન્જમાં આવી ગયા છે. જ્યારે છુટક ભાવમાં 40 ટકા ઘટ્યા છે. કોબીજ અને ફ્લાવરની આવકમાં પુષ્કળ વધારો થતા તેના કિલોદીઠ ભાવ રૂા. 5થી 7ની આસપાસ જ ખેડૂતોને મળી રહ્યા છે. આમ લીલા શાકભાજીના ભાવમાં અસામાન્ય ઘટાડો થતાં ખેડુતોને ભાવ પરવડતા નથી બીજી બાજુ દલોલો ધીકતી કમાણી કરી રહ્યા છે. કારણ કે, ખેડુતો પાસેથી જે ભાવે દલાલો ખરીદી કરે છે, તેના ત્રણગણા ભાવે ગ્રાહકો સુધી શાકભાજી પહોંચે છે. એટલે ભાવ ઘટાડોનો ગ્રાહકોને પણ પુરતો લાભ મળતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સરસ રહ્યું અને ખેડૂતોને તમામ વાવેતરમાં ખુબજ સરસ ઉત્પાદન આવી રહ્યું છે. શિયાળામાં શાકભાજીનું વિપુલ ઉત્પાદન થઈ રહ્યુ છે. પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોના હાથમાં માત્ર થોડા રૂપિયા આવે છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે.  રાજકોટ જિલ્લાના જેતપુર,જામકંડોરણા,વીરપુર, સહિતના શાકભાજી પકવતા ખેડૂતોની હાલત ખુબજ કફોડી છે અહીં રવિ પાક માં કોબીઝ, ફુલવાર,, દૂધી ,ટમેટા ,કાકડી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોને માત્ર 5 થી 7 રૂપિયા કિલોના ભાવે વેચવું પડે છે. ત્યારે ખેડૂતોની ફરિયાદ છે કે, પૂરતા ભાવ મળતા નથી. રાજકોટ યાર્ડમાં  ટામેટા તો માત્ર 2 રૂપિયાથી 5 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં નફાની વાત તો બાજુમાં રહી પરંતુ ખેડૂતોએ તો શાકભાજી તોડવાની મજૂરી પણ નીકળતી નથી અને ખેતરેથી માર્કેટયાર્ડમાં પહોંચાડવાનું ભાડું પણ ખિસ્સામાંથી આપવું પડે છે. જેને જોતા ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. જો આજ હાલત રહી તો ખેડૂતો પાયમાલ થતા કોઈ રોકી નહિ શકે. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે ટામેટા જેવા શાકભાજીની બહાર નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોના કહેવા મુજબ એક તરફ ખેડૂતોને તેના ઉત્પાદનના ભાવ મળતા નથી. મજૂરી ખર્ચની સાથે ખેતરથી માર્કેટ યાર્ડ સુધીનું ટ્રાન્સપોર્ટ ભાડું પણ શાકભાજીમાં ઉપજતું ન હોવાથી ખેડૂતોને કોઠીમાં મોઢું સંતાડીને રોવાનો વારો તો આવ્યો છે.પરંતુ આગામી દિવસોમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો નહી મળે તો ખેડૂતો શાકભાજી રસ્તા પર ફેંકવા પડશે અથવા તો ઉભા શાકભાજીના પાકમાં પશુઓ ચરાવવા પડશે. ત્યારે સરકાર દરમિયાનગીરી કરીને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળે તે માટે કામ કરે તે જરૂરી છે.