Site icon Revoi.in

ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે, માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે. જોકે માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે નહી, તેમજ રાજ્યમાં માવઠાની પણ કોઈ શક્યતા નથી. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે,

ગુજરાતમાં આજથી ફાગણ મહિનાનો પ્રારંભ થતાં શિયાળાએ વિધિવત વિદાય લેતા ઉનાળાનું આગમન તઈ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતનો ઉનાળો વધુ આકરો બનવાની શક્યતા છે. એપ્રિલ-મે દરમિયાન કાળઝાળ ગરમીની શક્યતા છે. જો કે માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે,

માર્ચના પ્રારંભમાં લોકોને ગરમી-ઠંડી એમ બે ઋતુનો અનુભવ થયો હતો. અને કેટલાક વિસ્તારોમાં માવઠાને કારણે ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવે 11મી માર્ચથી તાપમાનનો પારો વધતા ગરમીની શરૂઆત થશે. જોકે  ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું રહે, તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  માર્ચના અંત સુધી ગુજરાતમાં માવઠાની શક્યતાઓ નથી. ગુજરાતના કેટલાંક ભાગોમાં ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી લઘુત્તમ તાપમાન ઓછું રહેવાની શક્યતા છે. તેમજ 15મી માર્ચથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને છોડીને માર્ચ મહિનાના અંત સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેશે. ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અપ્રોચ કરી રહ્યું છે. તેને કારણે ગુજરાત પર સામાન્ય અસર વર્તાય તેવી શક્યતાઓ છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, જેથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ ઓછી છે. ત્યારબાદ ત્રીજા અને ચોથા સપ્તાહથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડન્સીમાં રહેશે. તેથી સામાન્ય તાપમાન કરતા બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધુ રહે તેવી શક્યતા છે.

 

Exit mobile version