Site icon Revoi.in

સુરતમાં શિયાળાના પ્રારંભ સાથે જ જુવારના પોંકની સિઝન શરૂ

Social Share

સુરતઃ શહેરમાં શિયાળોના પ્રારંભ સાથે  જુવારનો પોંક  વેચવાનું શરૂ થઇ ચુકયું છે. શહેરમાં કરજણથી પોંક લાવીને વેચવામાં આવે છે. એટલે પહેલો પોંક સુરતનો નહીં પરતું કરજણથી આવ્યો છે. શિયાળામાં સુરતીવાસીઓ પોંકની મજા માણતા હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી બાદ લાભ પાંચમથી પોંકનું વેચાણ શરૂ કરવામાં આવે છે.
સુરતનો પોંક વખણાય છે. અને સુરતીઓ પોંક ખાવાના પણ શોખિન હોય છે. શિયાળો શરૂ થતાની સાથે જ સુરતમાં પોંકનું આગમન થઈ ગયું છે. પણ શહેરમાં કરજણથી પોંક વેચાવવા માટે આવી રહ્યો છે. વડોદરાના કરજણ નજીકના ખેતરોમાંથી પોંકની જુવારના ડુંડા તૈયાર થઇ ગયા હોય તેમાંથી પોંક તૈયાર કરવામાં આવેછે. જોકે એ બહુ મહત્વની વાત છેકે છેલ્લાં કેટલાક વર્ષોથી લગાતાર પોંકની ભઠ્ઠીની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
સુરત શહેરમાં હાલ પોંકનું વેચાણ અઠવાડીયામાં બે જ વખત કરવામાં આવે છે. બાકી દિવસોમાં પોંક વડા અને સેવનું વેચાણ કરવામાં આવે છે. શહેરમાં પોંકની હાટડીઓ ઠેરઠેર ખૂલે એ માટે હજી વિસેક દિવસનો સમય  બાકી છે.શહેરના ઘોડદોડ રોડ પાસે એક ઉત્પાદક કહે છે, 25 નવેમ્બર પછી ઠંડી સારી દેખાતી હોવાથી બારડોલીના પોંકનું વેચાણ શરૂ થઇ જશે. સુરતના પોંકના વેચાણ ડિસેમ્બર માસમાં થશે. ગયા વર્ષે પોંકનો ભાવ પ્રતિકિલો રૂપિયા 500 હતો. આ વખતે ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જાન્યુઆરી માસમાં ભાવોમાં ઘટાડો થશે. આ વર્ષે રાત્રિ કરફ્યુની સમયમર્યાદા ઓછી થઇ ગઇ છે એટલે બહારગામના લોકો પણ મોડે સુધી પોંક ખાવા માટે આવશે તેવી વેપારીઓને આશા છે.