Site icon Revoi.in

ગાંધીનગરમાં હેગડેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા મહિલા સંમેલન યોજાયું

Social Share

ગાંધીનગરઃ  ડૉ. હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા  ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની 1200  જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા.

મહિલા અને બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયાએ નારી શક્તિને આવકારતાં કહ્યું હતું કે, નારીને  નારાયણી તરીકે સંબોધવામાં આવે છે. તે જ તેનું સૌનું મોટું સન્માન છે.આ માત્ર નારાયણી જ નહીં પણ દેવી શક્તિનો સંગમ છે. દેશનો સંપૂર્ણ વિકાસ થાય અને આ દિશામાં દેશ વધુને આગળ વધે તે માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલાઓ પરિવાર અને સમાજનું કેન્દ્રબિંદુ છે.

મંત્રી  ભાનુબેન બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. જે ઘરમાં નારીનું માન – સન્માન સાથે આદર અપાતો હોય, તે ઘરમાં હંમેશા લક્ષ્મી વસે છે આ પરિવાર હંમેશા સુખ સંપન્ન રહે છે. વિશાળ મહિલાઓની જન મેદની જોતાં જ મારામાં નવું જોમ, નવી  પ્રેરણા ઉભરી આવી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર મહિલા સશકિતકરણ નહિ, પરંતુ રાષ્ટ્રના પુનરૂત્થાન માટે એકત્રિત થયેલી સ્ત્રી શકિત, માતૃ શકિતનો સંગમ છે. મહિલાઓને સ્વચ્છ અને ન્યાયી વાતાવરણની જરૂર છે. જ્યાં તેઓ દરેક ક્ષેત્રમાં પોતાના સ્વતંત્ર નિર્ણયો, વિચારો વ્યક્ત કરી શકે, પછી તે પોતાના માટે હોય, દેશ માટે હોય, સમાજ માટે હોય કે પરિવાર માટે હોય.

તેમણે ઉમેર્યું હતું કે,  રાષ્ટ્ર વિકાસ માટે કાર્ય કરનાર મહાપુરુષોની જીવનકથા આપણને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. મહાપુરુષો પોતાના વ્યક્તિત્વ કે પોતાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરીને સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે પોતાના જીવનની આહુતિ આપતા હોય છે.

નારાયણી સંમેલનના મુખ્ય વક્તા અને GTUના પ્રોફેસર ડૉ. શ્રુતિ આણેરાવે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓ, મહિલા મંડળો, ધાર્મિક સંગઠનો સંવર્ધક સંરક્ષકની ભૂમિકા ભજવી રહ્યાં છે. જેના ભાગરૂપે  મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ઈતિહાસમાં રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી, નાયકા દેવી જેવી અનેક નારીઓ તેમની  રાષ્ટ્ર ભક્તિથી આપણેને હંમેશા પ્રેરણા આપે છે. પ્રાચીન ભારતથી શરૂ કરીને હાલમાં પણ દેશના વિકાસમાં તમામ ક્ષેત્રે ભારતીય મહિલાઓ અગ્રેસર છે. ભારતમાં મહિલાઓ અંદાજે 50 ટકા વસ્તી ધરાવે છે ત્યારે દેશના વિકાસમાં પણ સરખી ભાગીદારી જરૂરી છે. ભારતમાં વૈદીક કાળથી જ મહિલાઓને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. સનાતન ધર્મમાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે. આપણે આપણા પરિવારમાં સંસ્કાર, શિક્ષણ,સ્વચ્છતા, પર્યાવરણનું જતન, અન્નનો સુચારુ ઉપયોગ,માતૃભાષામાં શિક્ષણ વગેરે બાબતે વધુ જાગૃતિ કેળવવી પડશે તો જ વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત-2047 ‘ સંકલ્પને સૌ સાથે મળીને સાકાર કરી શકીશું.

બ્રહ્માકુમારી નેહાબેને આશીર્વચન આપીને મહિલા શક્તિને એકત્રીત અને જાગૃત કરવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. શૈલજાબેન અંધારે ગુજરાતભરમાં યોજાયેલા અને આગામી સમયમાં યોજાનારી નારાયણી સંમેલન અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે ગાંધીનગરની સાથે ડીસા અને ગોધરામાં પણ નારાયણી સંમેલન યોજાઈ રહ્યા છે. આગામી જાન્યુઆરી 2024  સુધીમાં ગુજરાત મભરમાં કુલ 11 નારાયણી સંગમ યોજાશે જેમાં નારી શક્તિને સંગઠિત અને સમાજ- રાષ્ટ્ર હિત માટે કાર્ય કરવા વધુ પ્રેરિત કરવામાં આવશે.

સમાપન સત્રના અધ્યક્ષા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ.નીતાબેન શેખાતે મહિલા આરોગ્ય વિશે તલસ્પર્શી માહિતી આપીને તમામને જાગૃત કર્યા હતા. વિવિધ તજજ્ઞોની ઉપસ્થિતિમાં મહિલાઓના પ્રશ્નો અંગે ચર્ચા -સંવાદ સત્ર યોજાયું હતું જેમાં મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત મહિલા અને સમાજ સેવિકાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. દુર્ગા વાહિનીની કુમારીકાઓ દ્વારા તલવારબાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગાંધીનગર વિભાગના સંઘ ચાલક  પ્રકાશભાઈ પરમાર, ગાંધીનગર શહેર વિસ્તાર સંઘ ચાલક  શંકરભાઈ ચાવડા, રાષ્ટ્રીય સેવિકા સમિતિની પદાધિકારીઓ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય  રીટાબેન પટેલ, ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી  દિલીપ સંઘાણી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  જશવંત પટેલ, ગાંધીનગર શહેર – જિલ્લાના વિવિધ મહિલા સંગઠનો, મહિલા આગેવાનો, બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

Exit mobile version