નવી દિલ્હી, 22 મે 2026: Women’s team of Border Security Force બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના ઈતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. BSF ની સ્થાપનાના હીરક જયંતી વર્ષ (Diamond Jubilee) ની ઉજવણી અંતર્ગત, ફોર્સની પ્રથમ ‘ઓલ-વુમન માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશન’ (તમામ મહિલા પર્વતારોહક ટીમ) એ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8848.86 મીટર) પર સફળતાપૂર્વક વિજય પતાકા લહેરાવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને તેને ‘નારી શક્તિ’ ના અદમ્ય સાહસનું પ્રતિક ગણાવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે બહાદુરી બિરદાવી:
“માઉન્ટ એવરેસ્ટ સર કરીને સુવર્ણ ઈતિહાસ રચનારી BSFની તમામ મહિલા પર્વતારોહક ટીમને મારા હાર્દિક અભિનંદન. ફોર્સના હીરક જયંતી વર્ષની ઉજવણી કરતા, તેઓએ વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવ્યો અને આકાશની ઊંચાઈઓમાં ‘વંદે માતરમ’ ગાયું. આ દેશભક્તિ, દ્રઢતા અને સમર્પણનું અદ્ભુત ઉદાહરણ છે.”
હવામાં ઓક્સિજન ઓછો, પણ ઉત્સાહ આસમાને હતો:
આ ઐતિહાસિક મિશન ‘મિશન વંદે માતરમ’ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. ૨૧મી મેના રોજ સવારે બરાબર ૮:૦૦ વાગ્યે (ભારતીય સમયાનુસાર) BSFની મહિલા સીમા પ્રહરીઓએ એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો હતો. એક એવા સ્તરે જ્યાં સામાન્ય માનવી માટે ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે અને ઓક્સિજન સપોર્ટ વિના શ્વાસ લેવો અશક્ય હોય છે, ત્યાં આ બહાદુર મહિલા સૈનિકોએ એક સૂરમાં ‘વંદે માતરમ’ ગીત ગાઈને ભારતનું ગૌરવ વધાર્યું હતું.
ઇતિહાસ રચનારી ભારતની બહાદુર 4 દીકરીઓ
આ મુશ્કેલ મિશનને સફળ બનાવનારી ટીમમાં ભારતના અલગ-અલગ રાજ્યો અને સરહદી વિસ્તારોની બહાદુર મહિલા કોન્સ્ટેબલ સામેલ હતી:
કોન્સ્ટેબલ કૌસર ફાતિમા (લદાખ)
કોન્સ્ટેબલ મુનમુન ઘોષ (પશ્ચિમ બંગાળ)
કોન્સ્ટેબલ રબેકા સિંઘ (ઉત્તરાખંડ)
કોન્સ્ટેબલ ત્સિરિંગ ચોરોલ (કાર્ગિલ)
ગૃહમંત્રી અમિત શાહે આ તમામ સભ્યોને સલામી આપતા જણાવ્યું હતું કે, આ અસાધારણ સિદ્ધિ મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્કૃષ્ટતા પ્રત્યે BSFની અતૂટ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે દેશની સરહદોની રક્ષા કરતી નારી શક્તિ ગમે તેવા કપરા પડકારોને પણ નમાવી શકે છે.
વધુ વાંચો: બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઈટના એન્જિનમાં આગની આશંકાના પગલે ઈમરજન્સી લેન્ડિંગ

