Site icon Revoi.in

પ્રાથમિક આરોગ્યસંભાળ નેટવર્કને મજબૂત કરવા 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર કામ ચાલી રહ્યું છેઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્યસંભાળ વ્યવસાયિકો અને પેરા-મેડિક્સ, નર્સિંગ, આરોગ્ય વ્યવસ્થાપન, ટેકનોલોજી અને સંશોધનના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન જણાવ્યું હતું કે બજેટ છેલ્લા 7 વર્ષો દરમિયાન હાથ ધરવામાં આવેલા હેલ્થકેર સેક્ટરમાં સુધારા અને પરિવર્તનના પ્રયાસો પર આધારિત છે. “અમે અમારી હેલ્થકેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે. આજે અમારું ધ્યાન માત્ર સ્વાસ્થ્ય પર જ નથી, પરંતુ તે જ રીતે સુખાકારી પર પણ છે”.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આધુનિક તબીબી વિજ્ઞાન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનોનું વિસ્તરણ. આયુષ જેવી પરંપરાગત ભારતીય તબીબી પ્રણાલીઓમાં સંશોધનને પ્રોત્સાહન અને આરોગ્યસંભાળ પ્રણાલીમાં તેમનું સક્રિય જોડાણ. આધુનિક અને ભવિષ્યવાદી ટેક્નોલોજી દ્વારા દેશના દરેક નાગરિક અને દરેક ક્ષેત્રને સસ્તી આરોગ્યસંભાળ પૂરી પાડવી. “અમારો પ્રયાસ છે કે જટિલ આરોગ્યસંભાળ સુવિધાઓ બ્લોક સ્તરે, જિલ્લા સ્તરે, ગામડાઓની નજીક હોવી જોઈએ. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સમયાંતરે અપગ્રેડ કરવાની જરૂર છે. આ માટે ખાનગી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોએ પણ વધુ ઊર્જા સાથે આગળ આવવું પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રાથમિક આરોગ્યસંભાળ નેટવર્કને મજબૂત કરવા માટે, 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 85000 થી વધુ કેન્દ્રો નિયમિત ચેકઅપ, રસીકરણ અને પરીક્ષણોની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આ બજેટમાં તેમના માટે મેન્ટલ હેલ્થકેરની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. “જેમ જેમ આરોગ્યસંભાળ સેવાઓની માગ વધી રહી છે, અમે તે મુજબ કુશળ આરોગ્ય વ્યાવસાયિકો બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી, આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત માનવ સંસાધન વિકાસ માટેના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.” પ્રધાનમંત્રીએ આરોગ્યસંભાળ સમુદાયને તબીબી શિક્ષણની ગુણવત્તા સુધારવા અને તેને વધુ સમાવિષ્ટ અને સસ્તું બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને ટેક્નોલોજીની મદદથી આ સુધારાઓને આગળ લઈ જવાના કાર્ય પર એક નિશ્ચિત સમયમર્યાદા સાથે કામ કરવા આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન ગ્રાહક અને આરોગ્ય સંભાળ પ્રદાતા વચ્ચે સરળ ઇન્ટરફેસ પ્રદાન કરે છે. “આ સાથે, દેશમાં સારવાર લેવી અને આપવી બંને ખૂબ જ સરળ બની જશે. એટલું જ નહીં, તે ભારતની ગુણવત્તાયુક્ત અને સસ્તું આરોગ્યસંભાળ પ્રણાલી સુધી વૈશ્વિક પહોંચની સુવિધા પણ આપશે”.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન રિમોટ હેલ્થકેર અને ટેલિમેડિસિનની સકારાત્મક ભૂમિકા પર ધ્યાન આપ્યું. તેમણે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચે આરોગ્યની પહોંચના વિભાજનને ઘટાડવામાં આ તકનીકોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. દરેક ગામ માટે આગામી 5G નેટવર્ક અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રોને તેમની ભાગીદારી વધારવા માટે આગળ આવવા જણાવ્યું હતું. તેમણે તબીબી હેતુઓ માટે ડ્રોન ટેક્નોલોજીના પ્રમોશન પર પણ ભાર મૂક્યો હતો.