Site icon Revoi.in

બાલાસોર ટ્રેન દુર્ઘટના પર વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Social Share

 ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાની જાણકારી લેવા પહોંચ્યા હતા. આ અકસ્માતમાં રેસ્ક્યુ ટીમ બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કાર્યમાં લાગેલી છે. મૃત્યુઆંક હવે વધીને 288 થઈ ગયો છે, જ્યારે લગભગ 850 મુસાફરો ઘાયલ છે. ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાલાસોર ટ્રેન દુર્ઘટના એ ભારતમાં અત્યાર સુધીનો ચોથો સૌથી ભયંકર ટ્રેન અકસ્માત છે. અકસ્માતની ભયાનક તસવીરો સામે આવ્યા બાદ અન્ય દેશોના રાજનેતાઓએ પણ તેના પર શોક વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રમુખ ચાબા કોરોશીએ ઓડિશામાં આ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને કહ્યું- ‘ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો સાથે છે.

વ્લાદિમીર પુતિન: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ટ્રેન દુર્ઘટના બાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને સંવેદના પાઠવી છે. તેમણે કહ્યું- ‘આ જીવલેણ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે અમારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

શાહબાઝ શરીફઃ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું- ‘ભારતમાં ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા, હું આ માટે દુઃખી છું. મારા વિચારો એ લોકો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પરિવાર અને પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

તુર્કી: તુર્કીએ પણ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.

જસ્ટિન ટ્રુડોઃ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટર પર લખ્યું- ‘ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તસવીરોએ મારું દિલ તોડી નાખ્યું છે. માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના. આ મુશ્કેલ સમયમાં સમગ્ર કેનેડા ભારતની સાથે છે

ફૂમિયો કિશિદાઃ જાપાનના પીએમ ફૂમિયો કિશિદાએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- ‘ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો સાથે મારી સંવેદના છે. સમગ્ર જાપાન વતી હું આ દુર્ઘટના બદલ મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરીશ.

Exit mobile version