Site icon Revoi.in

દુનિયાએ દેવાની જાળ ફેલાવનારાઓથી સાવધ રહેવાની જરૂર, UNSCમાં ચીન પર ભારતના પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં નામ લીધા વિના ચીન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત આર.મધુસુદને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આવા જોખમોથી સાવધ રહેવું જોઈએ જે દેવાની જાળના દુષ્ટ ચક્ર તરફ દોરી જાય છે. UNSCની આ બેઠકની અધ્યક્ષતા ચીન દ્વારા કરવામાં આવી રહી હતી, જેણે ઘણા નાના દેશોને લોન આપીને પોતાનો એજન્ડા લાગુ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 15 સભ્યોની સમિતિની બેઠક થઈ છે.

મધુસૂદને કહ્યું, “વિશ્વને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પડકારો અને છુપાયેલા એજન્ડા વિશે પણ સાવચેત રહેવાની જરૂર છે.આંતરરાષ્ટ્રીય સમુદાયે પારદર્શક અને સમાન ધિરાણ પર કામ કરવું જોઈએ. આપણે અસ્થિર ધિરાણના જોખમો પ્રત્યે પણ સતર્ક રહેવું જોઈએ, જે દુષ્ટ દેવાની જાળ તરફ દોરી જાય છે.”  મધુસૂદને સંયુક્ત રાષ્ટ્રમાં મેઇન્ટેનિંગ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટીઃ પ્રમોટિંગ સસ્ટેનેબલ પીસ થ્રુ કોમન ડેવલપમેન્ટવિષય પર આયોજિત ઓપન ડિબેટમાં ભારતનો પક્ષ રજૂ કરતી વખતે આ વાતો કહી હતી.

મધુસૂદને ખાસ કરીને સુરક્ષા પરિષદની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે વ્યાપક અભિગમમાં યુએન સિસ્ટમના ત્રણ સ્તંભો, શાંતિ-સુરક્ષા, વિકાસ અને માનવ અધિકારોની પરસ્પર નિર્ભરતાનો સમાવેશ થવો જોઈએ. તેમણે કહ્યું કે, સુરક્ષા ખરેખર બહુપરીમાણીય છે, પરંતુ યુએનની અન્ય સંસ્થાઓ દ્વારા ફરજિયાત પાસાઓ સહિત દરેક પાસાઓમાં સુરક્ષા પરિષદની સંડોવણી યોગ્ય ન હોઈ શકે.

મધુસૂદને કહ્યું કે જો સંસાધનોની અછત ચાલુ રહેશે તો વૈશ્વિક વિકાસ દૂરનું સ્વપ્ન બનીને રહી જશે. તેથી, ભારતે G20 ના વર્તમાન પ્રમુખ સહિત વિવિધ મંચો પર આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના સુધારા તરફ કામ કર્યું. ધિરાણમાં પારદર્શિતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, UNSC બેઠકનો કોન્સેપ્ટ લેટર દર્શાવે છે કે આપણે પારદર્શક અને સમાન ધિરાણ પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે અસ્થિર ધિરાણના જોખમો વિશે સાવધ રહેવું જોઈએ કારણ કે તે દેવાની જાળ બનાવે છે જેમાં ઘણા દેશો ફસાઈ જાય છે.