- ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર
- હવે UPIની મદદથી ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો પેમેન્ટ
- રુપે કાર્ડથી થશે તેની શરૂઆત
ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી છે. તેની શરૂઆત RuPay કાર્ડથી કરવામાં આવી રહી છે.હાલમાં, UPI સાથે ફક્ત બચત અને ચાલુ ખાતાને જ લિંક કરી શકાય છે.આ કામ યુઝરના ડેબિટ કાર્ડની મદદથી કરવામાં આવે છે.રિઝર્વ બેંક તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાશે.આરબીઆઈનું કહેવું છે કે,યુપીઆઈ સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરવાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે.જ્યાં સુધી સિસ્ટમમાં જરૂરી ફેરફાર નહીં થાય ત્યાં સુધી તેનો અમલ નહીં થાય તેવું પણ જણાવાયું હતું.આ સિવાય NPCIને અલગથી સૂચનાઓ પણ જારી કરવામાં આવશે.
દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા વિશે માહિતી આપતા ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ‘… ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાનો પ્રસ્તાવ છે’. તે આરબીઆઈ દ્વારા પ્રમોટેડ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા RuPay ક્રેડિટ કાર્ડથી શરૂ થશે. સિસ્ટમના વિકાસ સાથે સુવિધા ઉપલબ્ધ થશે. દાસે જણાવ્યું હતું કે નવી સિસ્ટમથી ગ્રાહકોને UPI પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી કરવા માટે વધુ વિકલ્પો અને સગવડતા મળવાની અપેક્ષા છે.
UPI દેશમાં પેમેન્ટનું લોકપ્રિય મોડ બની ગયું છે.લગભગ 26 કરોડ યુઝર્સ અને પાંચ કરોડ બિઝનેસમેન આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. દાસે કહ્યું કે મે મહિનામાં 10.40 લાખ કરોડ રૂપિયાના 594.63 કરોડ ટ્રાન્ઝેક્શન આ પ્લેટફોર્મ દ્વારા થયા હતા. તેમણે કહ્યું કે પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ (PPIs) ના ઉપયોગને વિસ્તૃત કરવાની સુવિધા સાથે, ચૂકવણી માટે UPI પેમેન્ટ સિસ્ટમમાં PPI ની ઍક્સેસની સુવિધા આપવામાં આવી છે
આ સાથે RBIએ કાર્ડ દ્વારા રિકરિંગ પેમેન્ટની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.