Site icon Revoi.in

નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાન પર મગરે કર્યો હુમલો, આખરે મગરના મોંઢામાંથી પગ છોડાવ્યો

Social Share

ભરૂચઃ તિલકવાડા તાલુકાના વડિયા ગામ નજીક નર્મદા નદીમાં નહાવા પડેલા આદિવાસી યુવાન પર મગરે હુમલો કર્યો હતો. અને યુવાનનો પગ મહાકાય મગરે મોઢામાં લઈને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. દરમિયાન યુવાને પ્રતિકાર કરીને ગમેતેમ કરીને મગરના મોઢામાંથી પગ છોડાવ્યો હતો.દરમિયાન યુવાન સાથે નહાવા પડેલા તેના સાથી મિત્રોએ યુવાનને ખેંચીને કાઠા પર લાવ્યા હતા. ત્યારબાદ ગંભીરરીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકામાં આવેલાં વાડિયા ગામ પાસેની નર્મદા નદીમાં નાહવા પડેલા યુવક પર અચાનક જ એક મહાકાય મગરે હુમલો કર્યો હતો. જેમાં યુવકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવાનના કાકા તડવી મહેશભાઈ જણાવ્યું હતું કે, તિલકવાડા તાલુકાના મરશન ગામના ત્રણથી ચાર યુવાનો વાડિયા ઓવારા ખાતે નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક યુવક ઉપર મગરે હુમલો કર્યો હતો. અંદાજિત 12 ફૂટ જેટલાં મહાકાય મગરે 30 વર્ષીય અમિતભાઇ જગદીશભાઈ તડવીના પગમાં બચકું ભરતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ભારે જહેમત બાદ મગરના મોઢામાંથી યુવકે પગ છૂટો કરતા તેનો આબાદ બચાવ થયો હતો. હાલ સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં દીપડાઓ પશુઓને શિકાર બનાવી નાશી છુટતા હોય છે. જ્યારે કેટલીક જગ્યાએ નર્મદા નદીમાં મગરનો પણ આતંક વધતો જાય છે. ભૂતકાળમાં પણ મગરોના શિકારનો અનેક લોકો ભોગ બન્યા છે.