Site icon Revoi.in

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

Social Share

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે કોંગ્રેસના 6 જેટલાં કાર્યકોરની અટકાયત કરી હતી.

વડોદરા શહેરના પૂર્વમાં આવેલા  કિશનવાડી વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે. બાજુમાં શાકમાર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી હોવા છતાંયે  તે હટાવાતું નથી. જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે.  કિશનવાડી વિસ્તારમાં ઠલવાતો કચરો આસપાસના રહીશો અને નાગરિકો માટે નુકસાનકારક હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી. આ માટે સ્થાનિકો માટે અવાર નવાર પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રચલિત કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે શાક માર્કેટ રોડ પર ભરાતું હતું. જેના કારણે અહીંયા વારંવાર ટ્રાફિકજામના પ્રશ્નો સર્જાતા હતા, પરંતુ બાજુમાં જ મ્યુનિએ પ્લોટ ડેવલપ કરીને શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ કચરા કેન્દ્રના કારણે શાક માર્કેટમાં કોઈ જવા માટે તૈયાર નથી. આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોળી કરવાના હતા. હાથમાં બેનરો લઈને કાર્યકરોએ “દૂર કરો, દૂર કરો, કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો” તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે  મ્યુનિ. કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના 6 કાર્યકરોની ધરપકડ કરી હતી.