Site icon Revoi.in

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો યુવક મહોત્સવ તા. 24થી 28 નવેમ્બર દરમિયાન યોજાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો 11મો યુવક મહોત્સવ આગામી તા. 24થી 28 નવેમ્બર, 2023 દરમિયાન ‘ક્ષિતિજ-23’ શીર્ષક તળે અમદાવાદની સાલ શૈક્ષણિક કેમ્પસ ખાતે દબદબાભેર યોજાશે. આ અંગેની તમામ તૈયારીઓ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને સાલ કેમ્પસ દ્વારા હાલ પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્થાપના બાદ 11મી વખત યોજાઈ રહેલા સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં સંગીત વિભાગની 11 પ્રકારની કૃતિઓ માટે, નૃત્યની 2 પ્રકારની કૃતિઓ માટે, સાહિત્યની 5 પ્રકારની કૃતિઓ માટે, નાટ્યની 4 પ્રકારની કૃતિઓ માટે તથા લલીતકલાની 10 પ્રકારની કૃતિઓ માટે સ્પર્ધાઓ યોજાશે. આ રીતે કુલ 32 પ્રકારની સ્પર્ધાઓમાં ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીના 900થી 1200 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લેશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ સ્પર્ધા તંદુરસ્ત અને સંસ્કારી તેમજ સાંસ્કૃતિક વાતાવરણમાં યોજાય એ માટે આ યુવક મહોત્સવનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. વિભાગીય સ્પર્ધાઓનું એકીકરણ કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસમાં જરા પણ ખલેલ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં પણ આ સ્પર્ધાના નવીનતમ આયોજન અંગે ઉત્સાહની લાગણી પ્રવર્તે છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સૂચિત 11માં યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ઝડપથી અને સરળતાથી થાય તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન તા. 09-11-2023 સુધીમાં કરાવી લેવાનું રહેશે. આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે કુલપતિ ડૉ. શ્રીમતી રાજુલ કે. ગજ્જરનાં માર્ગદર્શન નીચે કુલસચિવ ડૉ. કે. એન. ખેર, શારીરિક શિક્ષણ નિયામક ડૉ. આકાશ એચ. ગોહિલ તેમજ આ યુવક મહોત્સવના કાર્યવાહક મંત્રી અને સાલ શૈક્ષણિક કેમ્પસના અગ્રણી  હાર્દિક ત્રિવેદી સુંદર આયોજન ગોઠવી રહ્યા છે.