Site icon Revoi.in

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ-2024 કાર્યક્રમ યોજાશે

Social Share

અમદાવાદઃ 9મી માર્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન સેન્ટર ખાતે યુવા સાંસદ-2024 યોજાશે. આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. કાર્યક્રમ અંગેની માહિતી જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિદ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટે ‘યુવા સાંસદ’ કાર્યક્રમ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ “યુવા સાંસદ – 2024”નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજનાર છે. જ્યારે સમાપન સમારોહ સાંજે ૦૫-૦૦ થી ૦૬-૦૦ કલાક દરમિયાન હર્ષભાઈ સંઘવી, સાંસદ સભ્ય સી.આર.પાટીલ સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

આજનો યુવા દેશની આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે યુવા પેઢીમાં સ્વ-શિસ્તની ભાવના, વિવિધ અભિપ્રાયો પ્રત્યેની સહિષ્ણુતા, વિચારોની પ્રામાણિક અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણો કેળવાય તેવો આશય આ કાર્યક્રમનાં આયોજન થકી ચરિતાર્થ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ, ચર્ચા અને વાદ-વિવાદની તકનીકોથી પણ માહિતગાર થશે. સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વની ગુણવત્તા અને અસરકારક વક્તૃત્વની કળા અને કૌશલ્યનો પણ વિકાસ થશે. રાજ્યસરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીનાં નોડલ અધિકારી વિદ્યાર્થીઓને લઈને 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે આવશે. જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તા. 9 માર્ચના રોજ મહાત્માં મંદિર ખાતે કન્વેન્શનલ હોલમાં સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી શરુ કરવામાં આવશે. 

Exit mobile version