Site icon Revoi.in

સુરતના દરિયાકાંઠે ફરવા ગયેલા યુવાનોને ચરસનો બીનવારસી જથ્થો મળ્યો, વેચવા જતાં અંતે પકડાયાં

Social Share

સુરતઃ શહેરના હજીરાના દરિયા કાંઠે બે મિત્રો મહિના પહેલા ફરવા માટે ગયા હતા. જ્યાં અફઘાની ચરસનો રૂપિયા ચાર કરોડની કિંમતનો બિનવારસી જથ્થો કાંઠે પડેલા જોતા જ પોલીસને જાણ કરવાને બદવે બન્નેએ ચરસનો જથ્થો લઈને ઘરમાં સંતાડી દીધો હતો. બન્ને મિત્રો લોટરી લાગી હોય તેમ હવે પૈસાદાર બની જવાશે તેમ માનીને ખૂશખૂશાલ થઈ ગયા હતા. ત્યારબાદ ચરસના ગ્રાહકની શોધખોળ આદરી હતી, જેમાં એક યુવાનને થોડોક માલ (ચરસ) વેચવા આપતા અને તે યુવકને પોલીસે ઝડપી લેતા પોલીસે ત્રણે ય આરોપીની ધરપકડ કરી છે. તેમજ 4 કરોડ 15 લાખ 95 હજારનું 8.319 કિલો ચરસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી હજીરા ખાતેની મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે છે. બન્ને આરોપી મિત્રો દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે ઝાડીમાં લાવારીસ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ચરસના જથ્થાને પોતાને લોટરી મળી હોવાનું સમજી બંને જણા ખુશ ખુશ થઈ ગયા હતા. બંને ઈસમોએ ચરસ અંગે પોલીસને જાણ કરવાના બદલે પૈસા કમાવવાની લાલચે ચરસનો જથ્થો ઘરે લાવી ઘરની પાછળ સંતાડી રાખ્યો હતો. જેમાનો કેટલોક જથ્થો એક યુવકને વેચવા માટે આપ્યો હતો. જે ઝડપાતા આખો ખેલ પકડાઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત એસઓજી પોલીસનના હેડ કોન્સ્ટેબલ યોગેશ કંસારાભાઈને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારનો એક ઇસમ છેલ્લા 25 દિવસથી હાઈ પ્યોરીટી અફઘાની ચરસનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમ દ્વારા રાંદેર પાલનપુર પાટિયા રોડ સ્થિત લક્ષ્મી ડેરીની ગલીમાં પોલીસે વોચ ગોઠવી હતી. રાંદેર રામનગર પાસે આવેલી કીર્તિનગર સોસાયટીમાં રહેતા જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત (ઉં.વ.26)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 કરોડ 8 લાખ 65 હજારની કિંમતનું 2.173 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો હજીરા વિસ્તારના બે ઈસમોએ વેચાણ માટે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હજીરાગામ નીલમનગર સોસાયટીના મકાન નંબર 453માં રેઇડ કરી હતી. જ્યાં ઘરની પાછળ આવેલા ઝાંડી ઝાંખરાવાળી જમીનમાંથી ખાડો ખોદી સંતાડી રાખેલું વધુ 3 કરોડ 7 લાખ 40 હજારની કિંમતનું 6.146 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસ જપ્ત કર્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્યાં રહેતા પિંકેશ શાંતિલાલ પટેલ અને જહાંગીરપુરા સંકલ્પ રોહાઉસ ખાતે રહેતા અભિષેક ઉર્ફે અભી રોહિત પટેલની ધરપકડ કરી હતી.