Site icon Revoi.in

આજે ઝવેરચંદ માઘાણીની જન્મજ્યંતિ ઊજવાઈઃ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનાવાશે

Social Share

સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં જન્મ સ્મારક અને મેઘાણી સ્મૃતિ સ્થાનોને જોડતી સર્કિટ બનાવીને મેઘાણી પ્રેમીઓને સવાસો વર્ષે અંજલિરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત મેઘાણી સાથે સંકળાયેલા તમામ સ્થળોને વિકસાવવામાં આવશે તેમજ તેમની યાદમાં મ્યુઝિયમ પણ બનાવાશે.આ માટે હાલ રૂ. 10 કરોડની ફાળવણી કરાઇ છે, જેમાંથી રૂ. 5 કરોડ મ્યુઝિયમ પાછળ ખર્ચ કરવામાં આવશે. પ્રવાસન અને રમ તગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં મ્યુઝિયમ બનાવાશે. આ યોજનાના અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ પણ બનાવવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓની સાથે સાહિત્યકારો અને ઝવેરચંદ મેઘાણીના  પૌત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેઘાણીની સ્મૃતિમાં વિકસાવવામાં આવનારા સ્થળોમાં મેઘાણીનો જન્મ થયો એ ઐતિહાસિક મકાન, તેની નજીક આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સ સહિત કુલ 2200 ચોરસ મીટર જમીનનું હસ્તાંતરણ કરાયું છે. અહીં એક અલગ સ્મારક સંકુલ બનાવવાની યોજના છે, જેના માટે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે.

આજે 28મી ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ છે. આ યાદગાર પ્રસંગે ચોટીલા તાલુકા પુસ્તકાલયમાં 26થી 29 ઓગષ્ટ સુધી મેઘાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું સુંદર આયોજન હાથ ધરાયું છે. જ્યારે જન્મસ્થળે પુષ્પાજંલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ 125મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ છે. તેમાં ઇ-લોકાર્પણ કરીને સમગ્ર રાજ્યના 300 પુસ્તકાલયમાં 80 પુસ્તકોના સમગ્ર મેઘાણી સાહિત્ય સંપૂટની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું નિર્માણ ગાંધીનગરમાં થવાનું છે. આ ભવનને પણ મેઘાણીનું નામ આપવામાં આવશે. આ સંકુલમાં મેઘાણીની જીવનને નિરૂપતા અદ્યતન દ્રશ્ય શ્રાવ્ય મલ્ટીમિડીયા પ્રદર્શન હોલ, ડ્રામા ફિલ્મ બતાવી શકાય એવી સાઉન્ડ લાઇટ ઇફેક્ટ, પુસ્તકાલય, મુલાકાતીઓ માટે વાંચન અને પ્રતિક્ષા હોલ સામેલ કરાશે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. પરંતુ કદાચ કોઇનેય ખબર નહીં હોય કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતુ. થોડા સમય અગાઉ આ ઐતિહાસિક શાળામાં ખર્ચો કરી અદ્યતન બનાવવામાં આવી હતી. પરંતુ આ શાળાને ઐતિહાસિક દરજ્જો આપી એને વિકસાવવામાં આવે એવી સમયની માંગ છે.