Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસે કાશ્મીરમાં બે આતંકી હુમલા, ચાર આતંકીઓ ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિને સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાઓને નાકામ કરવામાં સફળતા મેળવી છે. પુલવામા અને શ્રીનગરમાં બે અલગ-અલગ અથડામણોમાં ચાર આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા છે.

પુલવામામાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષાદળોએ પુલવામાના પમ્પોર ખાતેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. પુલવામામાં શનિવારે સવારે સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પહેલા શ્રીનગરના ખોનમોહમાં સવારથી ચાલી રહેલી અથડામણ દરમિયાન પણ સુરક્ષાદળોને સફળતા મળી છે. સુરક્ષાદળોને આતંકીઓના એક સરકારી સ્કૂલમાં છૂપાયાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. બાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા વળતી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી.

આ પહેલા અનંતનાગ અને પુલવામાં જિલ્લાઓમાં શુક્રવારે સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક પણ કરવામાં આવ્યો હતો. પોલીસ મુજબ, તે બંને ઘટનાઓમાં કોઈની જાનહાનિના અહેવાલ ન હતા.