Site icon Revoi.in

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ

Social Share

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર થયું છે. દેશની આઝાદીના 75 વર્ષ અને AMTSની સ્થાપનાના 75 વર્ષ બેય સુભગ સમન્વય પ્રસંગે તેમણે આનંદ વ્યક્ત કરી સહુને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય હતો કે જ્યારે તૂટેલી ફુટેલી અને કંગાળ હાલત રાજ્યની બસ સર્વિસની ઓળખ હતી પરંતુ 2001 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો અને સમયને અનુરૂપ બદલાવો આવ્યા છે. તેમણે કહ્યું કે અમદાવાદના નાગરિકોને લાલ બસથી હટકે મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ છે. આ સુવિધાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલમાં અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની 200 ઈલેક્ટ્રિક, 905 સી.એન.જી અને 130 ડિઝલ એમ કુલ 1235 બસ અમદાવાદના લાખો નાગરિકોની સેવામાં કાર્યરત છે.

અમદાવાદના હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે રૂપિયા 8.80 કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. સમગ્ર પરિસર 11583 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ 2588 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિનો સંકલ્પ લઈને કાર્યરત હોવાનું જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષના ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે 50 ઈલેક્ટ્રિક બસો માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.