Site icon Revoi.in

રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત કરાયુ

Social Share

અમદાવાદ: આપણા દેશમાં મહિલાઓના સશક્તિકરણ અર્થે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે ત્યારે હવે સરકારની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની પહેલનો લાભ રાજ્યના દરેક જિલ્લાને સ્પર્શે તે હેતુથી રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની (DHEW) સ્થાપના કરવામાં આવશે.

મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યાન્વિત થનાર આ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લાના વિધવા લાભાર્થી બહેનો તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી બહેનોના હસ્તે કરવામાં આવ્યું. શ્રી કે.કે. નિરાલા, આઈએએસ, (સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગુજરાત)ના માર્ગદર્શનમાં તૈયાર થયેલ આ કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણને સ્પર્શતી તમામ સરકારી યોજનાઓ અને લાભોનું નિયમન કરવામાં આવશે.

DHEW દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે મળતી ‘બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના’, ‘સખી વન સ્ટોપ સેન્ટર’, ‘સ્વધાર યોજના’, ‘ઉજ્જવલા યોજના’ અને ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ સહિતની યોજનાઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયમન કરવામાં આવશે.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ કચેરી અમદાવાદના નોડલ ઓફિસર શૈલેશ અંબારીયાએ જણાવ્યું છે કે, “જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાએ મહિલાઓને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવાની તાલીમ, ગર્ભપાત અટકાવવા માટેની ઝુંબેશ તેમજ સ્વ-રોજગાર ક્ષેત્રે પ્રશિક્ષિત પણ કરવામાં આવશે.” રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી દરેક મહિલા સશક્ત, શિક્ષિત અને આત્મનિર્ભર બને એવા હેતુથી ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની (DHEW) સ્થાપના કરવામાં આવશે.