Site icon Revoi.in

સોમનાથ સમુદ્ર દર્શન માર્ગના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહને અપાયુ આમંત્રણ

Social Share

વેરાવળઃ  બાર જયોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવે છે. વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન સોમનાથદાદાના દર્શન કરાવવામાં આવે છે. સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ કરાયેલા માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતા સંગ્રહાલય–મ્યુઝિયમનું લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે.  વડાપ્રધાન અને ગૃહમંત્રી લોકાર્પણ માટે રૂબરૂ આવી નહી શકે તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ સાથે આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. એટલું જ નહીં  તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રસ્ટી અમિત શાહને રૂબરૂ દિલ્હી ખાતે રૂબરૂ મળીને  સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ થયેલા માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતા સંગ્રાહલય–મ્યુઝિયમનું લોકાર્પણ કરવા વિનંતી કરવામાં આવી હતી. જેમાં બન્ને મહાનુભાવોએ રૂબરૂ શકય નહીં બને તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે. તેમ કહ્યુ હતું.

તાજેતરમાં જ ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આયકોનિક વિકાસ પ્રોજેકટના સુચિત કરાયેલા 16 પ્રોજેકટોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા, કેન્દ્રની ટીમે સોમનાથની મુલાકાત લીધી હતી અને વિગતવાર અહેવાલ તૈયાર કરી ભારત સરકારમાં રજુ કરવામાં આવી રહ્યો છે. આ ટીમે સોમનાથ ખાતે સ્થળ તપાસ કરી વિકાસ પ્રોજેકટો આગળ વધારવા નિરીક્ષણ કયુ હતું. સોમનાથની ગૌશાળામાં શરૂઆતમાં માત્ર 20 ગૌવશં સંખ્યા હતી જે 116 સુધી પહોંચી છે અને દૈનિક 250 લીટરથી વધુ ગાયના દુધના ઉત્પાદન સાથે દેશી પધ્ધતિ પ્રમાણે ઘી પણ બનાવાઇ રહ્યું છે.

Exit mobile version