અમદાવાદઃ કોલેજોમાં ભણતી વિદ્યાર્થિનીઓ પોતાની જાતે જ પોતાનું રક્ષણ કરી શકે તે જરૂરી છે. આથી જીટીયુ દ્વારા 457 કોલેજોમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કરાયું છે. આ અંગેનો પરિપત્ર આ સપ્તાહમાં કરવામાં આવશે. જીટીયુ પ્રાયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ જીટીયુની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી આશરે 1.60 લાખ વિદ્યાર્થિનીઓ તેમજ કોલેજના શૈક્ષણિક-વહીવટી મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે. વિદ્યાર્થિનીઓ કટોકટીપૂર્ણ સ્થિતિમાં સ્વબચાવ કરી શકે તે હેતુથી એનજીઓના માધ્યમથી આ તાલીમ અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુના સ્પોર્ટસ વિભાગના અધિકારી ડો. આકાશ ગોહેલને આ પ્રોગ્રામના સંચાલન માટેની જવાબદારી સોંપાઈ છે. ચાંદખેડા કેમ્પસમાં સવારે અને સાંજે એમ બે શિફ્ટમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ લેનારા 1500 નિષ્ણાતને બોલાવાશે. જેમાં સેલ્ફ ડિફેન્સ માટે સૌથી પહેલા કઈ બાબતોની જરૂર પડશે તેની સંપૂર્ણ જાણકારી વિદ્યાર્થિનીઓને અપાશે. તેમજ અણધારી કટોકટીપૂર્ણ સ્થિતિમાં યુવતીઓ કે વિદ્યાર્થીનીઓએ પોતાનુ રક્ષણ કેવી રીતે કરવું તેના પ્રત્યક્ષ નિદર્શન મારફતે જાણકારી અપાશે. સેલ્ફ ડિફેન્સ તાલીમ અંતર્ગત જુડો, કરાટે, કુસ્તી, ટ્વેક્વોન્ડોની તાલીમ આપવાનું પણ આયોજન કરાયું છે. ઉપરાંત સેલ્ફ કોન્ફિડેન્સ વધે, મનોબળ મજબૂત થાય તે માટેની ટિપ્સ. અને માનસિક શાંતિ માટે મેડિટેશનને પણ મહત્ત્વ આપવામાં આવશે. સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનો તમામ ખર્ચ જીટીયુ ભોગવશે. ચાંદખેડા કેમ્પસ તેમજ સંકળાયેલી કોલેજમાં આ પ્રોગ્રામ આગળ ધપાવાશે. તેમાં ભાગ લેવો કે નહીં તે સ્વૈચ્છિક રહેશે. (file photo)