Site icon Revoi.in

અમદાવાદમાં આઈપીએલની 10 મેચ મેટ્રો ટ્રેન કોર્પોરેશનને ફળી, 1. 27 કરોડની રેકર્ડબ્રેક આવક

Social Share

અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચને કારણે અનેક રોજગાર ધંધામાં તેજી જોવા મળી હતી. આ મેચ જોવા માટે લાખથી વધુ સંખ્યામાં પ્રેક્ષકો ઉમટ્યાં હતા. જેમાં દેશના વિવિધ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ આવ્યા હતા. જેના લીધે શહેરમાં મોટાભાગની હોટલ હાઉસફુલ જોવા મળી હતી. ઉપરાંત ટ્રાવેલ્સના ધંધામાં તેજી જોવા મળી હતી. જ્યારે મોટેરા સ્ટેડિયમ સુધી દોડતી મેટ્રો ટ્રેનને પણ આઈપીએલ ફળી હતી. આઈપીએલની 10 મેચો દરમિયાન મેટ્રો ટ્રેનને 1.27 કરોડની આવર થઈ હતી.

મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી કુલ 10 મેચોને લઈ અમદાવાદ મેટ્રોની આવકમાં પણ વધારો થયો છે. આ 10 મેચોમાં અમદાવાદ મેટ્રોમાં કુલ 8.60લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જેમાં મેટ્રોને 1.27 કરોડની રેકોર્ડ બ્રેક આવક પ્રાપ્ત થઈ છે.  બીજી તરફ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પણ એક એમઓયુ થયા હતા જેમાં ગુજરાત ટાઇટન્સે એક આખી મેટ્રોના તમામ કોચ પર તેની જાહેરાત કરી હતી જેની પાછળ પણ મેટ્રોને લાખોની આવક પ્રાપ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે.  અત્રે ઉલ્લેખનિય છે. કે, સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સની બેટિંગ વખતે વરસાદના વિઘ્નને લીધે  મેચ ત્રણ કલાક માટે બંધ રહી હતી. આમ મેચ રાત્રે 3:00 વાગે પૂર્ણ થતા ભારે ભીડ ના કારણે બંને કોરીડોર પર અમદાવાદ મેટ્રોને પણ સવારે પાંચ વાગ્યા સુધી દોડાવવામાં આવી હતી. જેમાં અંદાજિત એક લાખ લોકોએ મુસાફરી કરતા મેટ્રોને 16 લાખ ની આવક થઈ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આઈપીએલની 2023ની ઉદઘાટન મેચ 31 માર્ચે રમાઈ હતી આ પ્રથમ મેચમાં મેટ્રોમાં 75 હજાર લોકોએ મુસાફરી કરતા 12.09 લાખ આવક થઈ હતી. આમ કુલ 9 મેચો રમાઈ હતી. છેલ્લી મેચ 28 મેના રોજ યોજાઈ હતી પરંતુ અમદાવાદમાં ભારે ધોધમાર વરસાદ પડતા સ્થગિત કરતા બીજા દિવસે મેચનું આયોજન કરાયું આવ્યું હતું એટલે કે અમદાવાદમાં આઇપીએલની કુલ 10 મેચો રમાઈ હતી. જો કે આ 10 પૈકી સૌથી વધુ 28 મે ના રોજ મેટ્રોમાં રેકોર્ડ બ્રેક 1.7 લાખ લોકોએ મુસાફરી કરી હતી જેમાં મેટ્રોને સૌથી વધુ 18.73 લાખની આવક થઈ હતી. મેટ્રો રેલ કોર્પોરેશન અધિકારીએ જણાવ્યું કે સોમવાર સવાર પાંચ વાગ્યા સુધી મેટ્રો દોડાવાઈ હતી ત્યારબાદ બે કલાકના પૂર્ણવિરામ બાદ ફરીથી આજે મંગળવારે 7:00 વાગે મેટ્રોનું રાબેતા મુજબ સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.