Site icon Revoi.in

ગુજરાત ટેકનોલોજી યુનિ. ખાતે હેકાથોન સ્પર્ધામાં 110 વિદ્યાર્થીઓ ભાગ લેશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે હેકાથોન સ્પર્ધા યોજાશે.રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધા-2021નું આયોજન આગામી તારીખ 10 અને 11 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના 14 નોડલ કેન્દ્ર ખાતે આ સ્પર્ધામાં કુલ 246 ટીમો ભાગ લેશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતેના નોડલ કેન્દ્ર પર રાજ્યની 20 ટીમોના 110 વિદ્યાર્થીઓ પોતાના આઈડિયા રજૂ કરશે. સ્મૉલ સ્કેલ અને લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ તથા કોર્પોરેટ્સ કંપનીમાં જોવા મળતાં વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટના વિષયો પર વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે.

ગુજરાત ટેકનોલોજી યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ ગુજરાત હેકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી સમાજની સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે. વર્ષ-2021 હેકાથોન સ્પર્ધામાં GTUની ટીમ ફ્યુચર ટેક દ્વારા ટેક્નોલોજી આધારીત અદ્યતન ટ્રેડમીલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે નૈસર્ગિક ઉર્જાનું યાંત્રીક ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ ટ્રેડમીલ પર રનિંગ કરતાં યાંત્રીક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેનો સંગ્રહ બેટરીમાં કરવામાં આવે છે,જેનાથી મોબાઈલ ચાર્જીગથી લઈને અન્ય ઈલેક્ટ્રીક સંસાધનો માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સ્પર્ધામાં ટોપ -3માં આવનાર દરેક ટીમને રોકડ પુરસ્કાર આપીને સન્માનવામાં આવશે.
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવે, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના મુખ્ય સચીવ એસ. કે. હૈદર અને ટેક્નિકલ ડિરેક્ટર જી.ટી. પંડ્યા ડિજીટલ માધ્યમ થકી હેકાથોન 2021નો પ્રારંભ કરાવશે. GTUના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતુ કે, ટેક્નોક્રેટ યુગમાં યુવાનો નીતનવા પ્રયોગો કરીને ટેક્નોલોજીના વિકાસ થકી આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે. GTUના કુલસચીવ ડૉ. કે. એન. ખેર અને જીઆઈસીના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.