અમરાવતી, 12 માર્ચ 2026: આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાલાચેરુવુ વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ પીવાને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ સંકટ 22 ફેબ્રુઆરીએ ત્યારે ઘેરું બન્યું જ્યારે ચૌદેશ્વરીનગર અને સ્વરૂપનગરના અનેક વૃદ્ધોને ઉલટી, પેટમાં દુખાવો અને કિડની ફેઈલ થવા જેવી ગંભીર સમસ્યાઓ બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા. દર્દીઓના લોહીના પ્રારંભિક રિપોર્ટમાં યુરિયા અને ક્રિએટિનાઈનનું સ્તર અસામાન્ય રીતે વધેલું જોવા મળ્યું છે. તબીબોના મતે, આ કોઈ ઝેરી તત્વના સેવન તરફ ઈશારો કરે છે. મહામારી વિજ્ઞાનના પુરાવાઓ મુજબ, દૂધમાં કરવામાં આવેલી ભેળસેળ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
તપાસમાં બહાર આવ્યું છે કે કોરુકોંડા મંડળના નરસપુરમ ગામમાં આવેલી વરલક્ષ્મી મિલ્ક ડેરી આ સમગ્ર ઘટનાનું કેન્દ્ર છે. અહીંથી જ અસરગ્રસ્ત 106 પરિવારોને દૂધ સપ્લાય કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 33 વર્ષીય દૂધ વિક્રેતા અડાલા જ્ઞાનેશ્વર રાવની ધરપકડ કરી છે અને ડેરી યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ અને પશુપાલન વિભાગે ડેરીમાંથી દૂધ, પનીર, ઘી અને પશુ આહારના નમૂના એકત્ર કરીને પ્રયોગશાળામાં મોકલ્યા છે. નમૂનાઓ કાકીનાડાની જેએનટીયુ લેબ અને હૈદરાબાદની વીઆઈએમટીએ લેબમાં મોકલવામાં આવ્યા છે. દર્દીઓના લોહી અને પેશાબના નમૂના એડવાન્સ ટોક્સિકોલોજિકલ તપાસ માટે મોકલાયા છે જેથી ઝેરના પ્રકારની ઓળખ થઈ શકે.
રેપિડ રિસ્પોન્સ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનાત કરવામાં આવી છે. આ ટીમો ઘરે-ઘરે જઈને અન્ય ગ્રાહકોની ઓળખ કરી રહી છે જેથી સમયસર સારવાર આપી શકાય. પોલીસ અત્યારે દૂધના વિતરણ નેટવર્કની તપાસ કરી રહી છે કે આ ભેળસેળ જાણીજોઈને કરવામાં આવી હતી કે કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઝેરી તત્વો દૂધમાં ભળ્યા હતા.

