Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં  વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે, રાજ્યમા વધતા જતી આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ અને અસંવેદનશીલ રહી છે. તેમ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા બન્યા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ – પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ 2022માં 1,70,000 નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે 55,000 જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે,  રોજનું કમાઈ રોજનો ખર્ચ – ફેરીયા – લારી – પાથરણાવાળા – રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં 50.44  ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં 16862 રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, આવક ઘટતી જાય અને ખર્ચ વધતો જાય સહિતના કારણોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ ઘણી નાજુક છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3740  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. દેશમાં છેલ્લા છ વર્ષમાં 68013 થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિ ભેદ, પરીક્ષામાં નિષ્ફળતા સહિત કારણોથી જીવન ટુંકાવ્યું છે. એટલે કે દરરોજ 35થી વધુ વિદ્યાર્થીઓ જીવન ટુંકાવે છે એટલે કે દર એક-બે કલાકમાં બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં આત્મહત્યા ના સતત વધી રહેલા બનાવો ચિંતાજનક છે. વધતી જતી આર્થિક સંકડામણ, દેવાનો ભાર, સામાજિક અસુરક્ષાના દબાણ હેઠળ જીવન ટુંકાવવા મજબૂર બનતા ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા માટે ભાજપ સરકાર સંવેદનશીલતા દાખવીને સામાજીક, આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતો, માનસશાસ્ત્રીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી સક્રિય કામગીરી કરશે તો જ માનવ જીંદગીને આત્મહત્યા કરતા અટકાવી શકાશે.