Site icon Revoi.in

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માર્ગ અકસ્માતમાં 13ના મોત, 18 વ્યક્તિ થયા ઘાયલ

Social Share

દિલ્હીઃ ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધુમ્મસને પગલે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રકે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 18થી વધારે લોકોને ઈજા થઈ હતી. જે પૈકી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોખંડનો સામાન ભરેલી ટ્રક રાત્રિના સમયે જુલપાઈગુડીના માયાનાલી પાસેથી પસાર થતી હતી ત્યારે ગાઢ ધુમ્મસને પગલે ટ્રક સામેથી આવતી મુસાફરો ભરેલી વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. એટલું જ નહીં અકસ્માત બાદ ટ્રકમાં ભરેલો લોખંડનો સામાન પાછળ આવતા અન્ય વાહનો ઉપર પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી.

આ દૂર્ઘટનામાં 13 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 18થી વધારે લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પહેલાં ધૂપગુડી નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ જલપાઇગુડીની મોટી હૉસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અકસ્માત નજરે જોનારા લોકોના કહેવા મુજબ બોલ્ડર ભરેલી ટ્રક અન્ય એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી એ દરમિયાન, રોંગ સાઇડથી આવેલાં વાહનો સાથે આ ટ્રક અથડાઇ પડી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.