Site icon Revoi.in

ભાવનગરમાં લઠ્ઠાકાંડના સારવાર લઈ રહેલા 13 દર્દીઓ પોલીસના ડરથી હોસ્પિટલમાંથી નાસી ગયા

Social Share

ભાવનગરઃ બોટાદના બરવાળા (ઘેલાશાહ) પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા અનેક દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓને પોલીસનો ભય સતાવી રહ્યો છે. સાજા થઈશું એટલે પોલીસ જેલમાં પુરી દેશે એવા ભયને કારણે 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાંથી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

બોટાદ તથા અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના અનેક ગામડાઓમાં બે દિવસ પૂર્વે ઝેરી કેમિકલ્સયુક્ત શરાબનુ સેવન કરવાથી અનેક શરાબીઓ મોતને ભેટ્યા હતા. જ્યારે ઘણાબધા શરાબીઓને બોટાદ, ભાવનગર, ધંધુકા, અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર સરટી હોસ્પિટલમાં બે દિવસની સારવાર દરમિયાન હજુ સારવાર પૂર્ણ નથી થઈ ત્યાં 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાંથી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સિવિલ અધિક્ષક જયેશ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, ભાવનગરની સરકારી હોસ્પિટલમાંથી ચાલ્યા ગયેલા દર્દીઓને સારવારની જરૂર હતી.  એવું કહેવા છતાં દર્દીઓ ચાલ્યા ગયા છે, આ તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા પોલીસની મદદ લઈ પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્દીઓ  અભણ હોવાને કારણે એને તે સારું લાગતા હોસ્પિટલમાંથી  નીકળી ગયા છે. મીડિયાના માધ્યમથી જે દર્દીઓ હોસ્પિટલ માંથી ચાલ્યા ગયા છે, તો તમામ દર્દીઓ કોઈપણ જાતના સંકોચ વગર પરત આવવામાં આવે તે શુભ આશયથી જ પરત બોલાવવા પોલીસની મદદ લેવામાં આવી છે.

લઠ્ઠાકાંડના સૌથી વધુ અસરગ્રસ્તો બોટાદ, બરવાળા અને રાણપુરના છે. ત્યારે બોટાદ પોલીસે તમામ ટીમો બે દિવસથી કામે લગાડી છે. આ વિશે બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ કહ્યુ કે, હાલ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 5 ટીમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, જે પણ લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો સામે આવે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓનો સંપર્ક શરૂ કર્યો છે.