Site icon Revoi.in

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 18મી જુલાઈથી લેવાનારી પૂરક પરીક્ષામાં 13500 વિદ્યાર્થીઓ નોંધાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓનલાઈન આવેદનપત્રો ભરાયા બાદ આગામી તા. 18 જુલાઈથી લેવાનારી ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. પૂરક પરીક્ષા માટે ધોરણ-12 સાયન્સના 13500 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેથી સ્કૂલોએ વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે સુચનાઓ પણ પ્રિન્ટ કરીને ફરજિયાત આપવાની રહેશે તેમ બોર્ડ દ્વારા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈથી ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક વિષય અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ શુક્રવારના રોજ બોર્ડ દ્વારા વેબસાઈટ પર મૂકી દેવામાં આવી હતી. જેથી શાળા દ્વારા વેબસાઈટ પરથી શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરવાની સુચના આપવામાં આવી છે. પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીના જુલાઈ-2022ની પરીક્ષાના આવેદનપત્ર મુજબ વિષય અને માધ્યમની ખરાઈ કરીને હોલ ટિકિટમાં નક્કી કરેલી જગ્યાએ વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી, વિદ્યાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરી વિદ્યાર્થીને હોલ ટિકિટ આપવાની રહેશે. જો હોલ ટિકિટમાં દર્શાવેલા વિષયમાં વિષંગતતા જણાય તો બોર્ડની કચેરી ખાતે જરૂરી આધાર સાથે સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટની પાછળ સૂચનાઓ પ્રિન્ટ કરીને આચાર્યએ ફરજિયાત આપવાની રહેશે. સ્કૂલોએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપ્યા બાદ તે અંગેની સહી મેળવવાની રહેશે.