Site icon Revoi.in

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

Social Share

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે.

ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તારીખ 31 માર્ચ 2024ને રવિવારે યોજાશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1,37,799 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેમાં એ ગ્રુપમાં 51,025 અને બી ગ્રુપમાં 86,366 પરીક્ષાર્થીઓ છે. જ્યારે એબી ગ્રુપમાં 408 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે ગુજકેટમાં કુલ 1,30,516 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાં એ ગ્રુપમાં 49,595 અને બી ગ્રુપમાં 80,542 પરીક્ષાર્થીઓ હતા. એક સમયે એ ગ્રુપ માટેની મુખ્ય ગણાતી આ પરીક્ષામાં હવે બી ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. 31 માર્ચે સવારના 9.30થી સાંજના 4.05 કલાક દરમિયાન ત્રણ પેપર નિયત પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. જેમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે બંનેના 80 પ્રશ્નોના 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે તથા ઓએમઆર આન્સરશીટ પણ 80 પ્રત્યુતર માટેની રહેશે. જીવ વિજ્ઞાન અને ગણિત વિષયના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમો આપવામાં આવશે.

ગુજકેટની પરીક્ષામાં સેન્ટરમાં પ્રવેશપત્ર, સાદુ કેલ્ક્યુલેટર અને પેન સિવાય અન્ય કોઈ સાધન સામગ્રી કે સાહિત્ય લાવવા નહીં. ઈશારા કરવા કે ગેર વ્યાજબી વર્તણૂક કરવી કે ખંડ નિરીક્ષક કે બોર્ડની સૂચનાઓનું ઉલ્લંઘન કરે તો ગેરરીતિ ગણાશે. ઉત્તરવહી કે પ્રશ્નપત્ર ફાડે તો પણ ગેરરીતિ ગણાશે. કોઈપણ સંજોગોમાં પરીક્ષા પૂર્ણ થયા પહેલા પરીક્ષા ખંડની બહાર પ્રશ્ન પુસ્તિકા કે તેનો કોઈ ભાગ બહાર પહોંચાડી શકાશે નહીં. અન્ય પરીક્ષાર્થી સાથે ગેરવર્તણૂંક કરી શકાશે નહીં તેમજ ઓએમઆર ઉત્તર પત્રિકા ઉપર ઓળખ થાય તેવા કોઈ ચિન્હ, દેવી દેવતાના નામ કે નુકસાન કરી શકાશે નહીં.

ગુજકેટની પરીક્ષામાં આ વર્ષે રાજ્યમાં કુલ 1,37,799 પરીક્ષાર્થી નોંધાયા છે તેમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમના 86,532 વિદ્યાર્થીઓ છે જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ  50,027 તેમજ રાષ્ટ્રભાષા હિન્દી માધ્યમના માત્ર 1240 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો રાજ્યમાં કુલ 75,588 છોકરાઓ અને 62,241 છોકરીઓ ગુકેટની પરીક્ષા આપશે.