Site icon Revoi.in

દાહોદ જિલ્લામાં 14 હજાર અને પંચમહાલમાં 16 હજાર રેશનકાર્ડ બ્લોક કરાયાં

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂતિયારેશનકાર્ડ રદ કરવાની ઝૂંબેશ બાદ હવે જે લોકો રેશનકાર્ડ ધરાવે છે અને રેશનિંગની દુકાનમાંથી અનાજ કે કોઈ વસ્તુઓ ખરીદતા નથી. એવા પરિવારોના રેશનકાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ બારોબાર પગ કરી જતું હોવાથી અને કેટલાક વ્યાજબી ભાવની દુકાનવાળા આ અનાજ બજારમાં વેચી દેતા હોવાની આશંકાના પગલે છેલ્લા ત્રણ, છ અને બાર મહિના સુધી સરકારી અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય તેવા 14405 NFSA રેશનકાર્ડ રાજ્ય સરકાર દ્વારા બ્લોક કરી દેવાયા છે. જ્યારે પંચમહાલ જિલ્લામાં 16 હજાર કરતા વધુ રેશનકાર્ડ બ્લોક કરાયા છે.

સૂત્રોના  જણાવ્યા મુજબ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં રોજીરોટી માટે સ્થળાંતરનો દર મોટો છે ત્યારે પરગામોમાં મજૂરી માટે ગયેલા હોવાથી અનાજ ન મેળવ્યું હોય તેમ હોઇ શકે પરંતુ હવે વન નેશન,વન રેશનની સ્કીમ હોવાથી કોઇ વ્યક્તિ કોઇ પણ સ્થળેથી અનાજ લઇ શકે તેમ છતાં આવા રાશન કાર્ડ ધારકોએ એક દાણો અનાજ લીધુ ન હતું. ત્રણ માસથી અનાજ લીધુ ન હોય તેવા 8838, છ માસથી અનાજ લીધુ ન હોય તેવા 5282 અને બાર માસથી અનાજ લીધુ ન હોય તેવા રેશનકાર્ડ ધારકોની સંખ્યા 785 છે. ત્યારે આવા રેશનકાર્ડ ધારક જો અનાજ લેવા જશે ત્યારે જ તેમને કાર્ડ બ્લોક હોવાની ખબર પડે તેમ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં રેશનકાર્ડની સંખ્યા 357566 છે. 21 લાખની વસ્તીમાંથી અંદાજિત 1917171 લોકો લાભ લે છે. રેશન કાર્ડમાંથી 260292 NFSA રેશનકાર્ડ છે. રેશનકાર્ડથી 1.48 લાખ લોકો અનાજ મેળવે છે. બ્લોક થયેલ રેશનકાર્ડના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી, ઝોનલ કચેરીનો સંપર્ક કરી ઇકેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આવા રેશનકાર્ડ એક્ટિવ કરાવવા માટે દાવા અરજી કરવાની રહશે. અરજી કર્યાથી કાર્ડ ધારકોની પાત્રતાની ચકાસણી કરી, કાર્ડમાં સમાવિષ્ટ સભ્યોના નામ હયાતી, આધારકાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઇલ નંબર જેવા આધાર પુરાવા મેળવી રેશનકાર્ડને પુન: એક્ટિવ કરવા ઓનલાઇન ભલામણ કરવાની રહેશે. કોરોનાકાળમાં સરકાર દ્વારા એનએફએસએ કાર્ડની જોગવાઇ કરી હતી. જે અંતર્ગત આ કાર્ડ ધારકોને મફતમાં અનાજ મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી. જો કે આવા હજારો કાર્ડ ધારકોએ 3, 6 કે 12 મહિના સુધી આ કાર્ડનો ઉપયોગ ન કરી અનાજ લીધું ન હતું ત્યારે તેવા તમામ કાર્ડ ધારકોના કાર્ડ સરકાર દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યા છે. નોંધનિય છે કે પંચમહાલ જિલ્લામાં આવા કાર્ડ ધારકોની સંખ્યા 16464 સુધી પહોંચી છે જ્યારે દાહોદ જિલ્લામાં આવા કાર્ડ ધારકોની સંખ્યા 14405 સુધી પહોંચી છે. ત્યારે આ બન્ને જિલ્લામાં મળીને કુલ 30869 સુધી પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્ડ ધારકોના કાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યા હોવાની જાણ તેઓ જ્યારે અનાજ લેવા જશે ત્યારે થશે. જો કે આ કાર્ડ એક્ટિવ કરાવવું હોય તો અરજી કરવાનો વિકલ્પ સરકારે રાખ્યો છે.

જે કાર્ડ ધારકોએ કોરોના મહામારી દરમ્યાન વિનામૂલ્યે અનાજનો લાભ લીધો ન તથા એક વર્ષથી અથવા છ માસમાં ધારકોએ કાર્ડનો ઉપયોગ કરેલ નથી તેવા કાર્ડને સાયલન્ટ જાહેર કર્યા છે. જેમાં પંચમહાલમાં છેલ્લા એક વર્ષમાં 3993 તથા છેલ્લા છ માસમાં 12,471 NFSA રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશન કાર્ડનો ઉપયોગ ન કર્યો હોવાથી કુલ 16,464 રેશનકાર્ડને નિષ્ક્રીય જાહેર કરી રદ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ગોધરા તાલુકામાં 5694 NFSA રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. જ્યારે KYC આપેલ ન હોય તેવા લાભાર્થીઓને અનાજન મળતાં તેઓમાં પણ ભારે રોષ ફેલાયો છે.