Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી કર્મચારી માટે સાત માળના 1400 ક્વાટર્સ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના વહિવટ માટે અનેક સરકારી કચેરીઓ આવેલી છે. તેથી સરકારી કર્મચારીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવે છે. પણ એમાં લાંબુ વેઈટિંગલિસ્ટ છે. આથી કર્મચારીઓમાં નવા ક્વાટર્સ બનાવવાની માગ ઊઠી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના રહેણાંક માટે 1400 નવા આવાસો રૂપિયા 315 કરોડના ખર્ચે નિર્માણ કરવાની વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે. જે અન્વયે બે વર્ષ માર્ગ મકાન વિભાગ દ્વારા આ સરકારી આવાસો ગ્રાઉન્ડ પ્લસ 7 માળના બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના માર્ગ-મકાન વિભાગે ગાંધીનગરમાં  નવા બનનારા તમામ આવાસો ગ્રાઉન્ડ પ્લસ સાત માળના બનાવવાનું આયોજન કર્યું છે. આના પરિણામે પાટનગર ગાંધીનગરની કિમતી જમીનનો પૂરેપૂરો ઉપયોગ થઇ શકશે. એટલું જ નહીં, આ આવાસો હાલ વિવિધ સેક્ટરમાં ઉપલબ્ધ ખૂલ્લી જગ્યામાં અથવા હયાત જર્જરીત ક્વાર્ટસ ઉતારીને ખૂલ્લી થતી જગ્યામાં બનાવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી નવી નિમણૂંકોને પરિણામે સરકારી કર્મયોગીઓ માટે પાટનગરમાં નવિન રહેણાંક – આવાસોની જરૂરિયાત ઊભી થઇ છે. મુખ્યમંત્રીએ આવા કર્મયોગીઓને ખાસ કરીને વર્ગ-3 અને 4 ના નાના કર્મચારીઓને સરકારી આવાસ મેળવવામાં લાંબી પ્રતિક્ષા યાદીનો સામનો ના કરવો પડે અને સરળતાથી ક્વાટર્સ તેમને મળી રહે તે હેતુસર નવા આવાસોના નિર્માણને વહિવટી મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ  ગાંધીનગરમાં તાજેતરમાં જ 560 નવા આવાસોનું લોકાર્પણ કર્યું છે, તથા વિવિધ કક્ષાના કુલ 1456 આવાસો નવા બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. મુખ્યમંત્રીએ આજે નવા 1400 આવાસોના નિર્માણ માટે વહિવટી મંજૂરી આપી છે, તે આવાસોની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાનું માર્ગ-મકાન વિભાગે આયોજન કર્યું છે.