નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરવાની છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં 16 વર્ષીય નીલ પટેલનો સમાવેશ વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે.
નીલ ઓસ્ટ્રેલિયામાં ‘ન્યૂ સાઉથ વેલ્સ’ માટે રમે છે. તે ભારતીય મૂળનો ખેલાડી છે. આ શ્રેણીએ તેને એક મોટી તક પૂરી પાડી છે. નીલ ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે અને ઓફ-સ્પિનરની ભૂમિકા પણ ભજવે છે. જોકે તેનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે, પરંતુ તેના પૂર્વજો ભારતનાં ગુજરાત રાજ્યના હતા.
નીલે સિડની પ્રીમિયર ક્રિકેટના ‘ફર્સ્ટ ગ્રેડ’માં રમતી વખતે ઈતિહાસ રચ્યો. તે એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. તાજેતરમાં, ભારતીય મૂળના આ ખેલાડીએ ફર્સ્ટ ગ્રેડ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી હતી. ભારત પ્રવાસ દરમિયાન સૌની નજર તેના પર રહેશે.
તેમણે એડિલેડમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટેલેન્ટ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શને તેમને અંડર-19 ટીમની નજીક પહોંચાડ્યા અને દેશની સૌથી યુવા પ્રતિભાઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે નીલ પટેલ ક્રિઝ પર ટકી રહેવાની અને ઇનિંગ્સને સંભાળી રાખવાની પોતાની ક્ષમતા માટે જાણીતા છે. ક્રિઝ પર મક્કમતાથી ટકી રહેવાની સાથે સાથે તેઓ સ્કોરબોર્ડને પણ સતત આગળ ધપાવતા રહે છે. આ ક્ષમતાને કારણે, તેઓ કોઈપણ મેદાન પર ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ
કેસી બાર્ટન, હેડન બાર્બુલોવી, ઈલાઈ બ્રેઈન, વિલ બાયરામ, બ્લેક કેટલ, જેક જોસનેક, સ્પેન્સર ગ્રીન, કોનર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, જેડ હોલિક, મેથ્યુ લાફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ, થોમસ વાસિયો.

