Site icon Revoi.in

રાજકોટમાં બે ઋતુને લીધે શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી સહિત વાયરલ બિમારીના 1789 કેસ નોંધાયા

Social Share

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુંનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યાં જ માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો છે. ઉનાળાની ગરમી શરૂ થયા બાદ હાલ અચાનક શિયાળા જેવી ઠંડી પડતા રોગચાળો વકર્યો છે. મ્યુનિ.ના ચોપડે શરદી-ઉધરસના સૌથી વધુ 1,381 કેસ નોંધાયા છે. આ સિવાય તાવ અને ઝાડા-ઊલટીના કેસો સહિત વિવિધ રોગના મળી કુલ 1,789 કેસ પણ નોંધાયા છે. મ્યુનિના આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. લાંબા સમય બાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના ચોપડે વિવિધ રોગોના 1,789 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના 1,381 કેસ, ઝાડા-ઊલટીના 224 કેસ, સામાન્ય તાવના 182 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે. ઉપરાંત ટાઇફોઇડ તાવનો પણ વધુ એક કેસ નોંધાયો છે. જોકે, અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો આંકડો પાંચ ગણો હોવાની શક્યતા છે.

આરએમસીના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થતાં શરદી-ઉધરસ અને તેમાં પણ ખાસ કરીને સૂકી ઉધરસના કેસો વધ્યા છે. લોકોએ ઠંડા પવનમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો અન્ય તેની સાથે અન્ય લોકો પણ માસ્કનો ઉપયોગ કરે તે હિતાવહ છે. રોગચાળા સામે આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 26 ફેબ્રુઆરીથી તા. 3 માર્ચ દરમિયાન 12,386 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 716 જેટલા ઘરોમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. (File photo)