Site icon Revoi.in

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે 20 કરોડની રોકડ અને 32 કિલો સોનુ ઝડપાયું

Social Share

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે અન્ય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. હાલ તમામ પાંચેય રાજ્યોમાં ચુસ્ત ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં આવ્યો છે. જેથી નાણાની હેરાફેરી સહિતની પ્રવૃતિઓ અટકાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગાણામાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 20 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.

તેલંગાણામાં નવ ઓક્ટોબરના રોજ આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ વિવિધ સ્થળો ઉપરથી અંદાજે રૂ. 20 કરોડની બેનામી રોકડ ઉપરાંત 31.9 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના જણાવ્યા અનુસાર 350 કિલો ચાંદી, 42.203 કેરેટ હિરા પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ હિરાની કિંમત લગભગ 14.65 કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 86.9 લાખનો દારૂ અને 89 લાખનો ગાંજો તથા 22.52 લાખની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રોકડ સહિતની અન્ય વસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.