Site icon Revoi.in

2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ‘સીઆઈઆઈ નેશનલ કોન્ફરન્સ ઓન રોડ સેફ્ટી – ઈન્ડિયન રોડ્સ@2030 – રેઈઝિંગ ધ બાર ઓન સેફ્ટી’ને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે ‘રોડ સેફ્ટીના 4E’ – એન્જિનિયરિંગ (રોડ અને વ્હીકલ એન્જિનિયરિંગ) – અમલીકરણ (એન્ફોર્સમેન્ટ) – શિક્ષણ (એજ્યુકેશન) અને ખૂબ જ મહત્વપૂર્ણ કટોકટીની તબીબી સેવાઓ (ઈમર્જન્સી મેડિકલ સેવા)ને મજબૂત કરવા તેમજ સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે માર્ગ સલામતી સુધારવા માટે તમામ હિતધારકોના સહકાર પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત 2022ના નવીનતમ અહેવાલ મુજબ, 4.6 લાખ માર્ગ અકસ્માતો થયા છે, જેમાં 1.68 લાખ લોકોના મોત થયા છે અને 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે દર કલાકે 53 માર્ગ અકસ્માતો અને 19 મૃત્યુ થાય છે.

તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતોમાં 12 ટકાનો વધારો થયો છે અને માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે, જેના પરિણામે જીડીપીને 3.14 ટકાનું સામાજિક-આર્થિક નુકસાન થયું છે. શ્રી ગડકરીએ કહ્યું કે 60 ટકા મૃત્યુ 18 થી 35 વર્ષના યુવા જૂથમાં થાય છે. તેમણે જણાવ્યું હતું કે આકસ્મિક મૃત્યુના પરિણામે કુટુંબ માટે કમાનારની ખોટ, એમ્પ્લોયર માટે વ્યાવસાયિક નુકસાન અને અર્થતંત્ર માટે એકંદર નુકસાન થાય છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નાગરિકો વચ્ચેના સારા ટ્રાફિક વર્તન માટે પુરસ્કારોની સિસ્ટમના નાગપુરમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ડ્રાઇવરોની નિયમિત આંખની તપાસ પર ભાર મૂક્યો અને સંસ્થાઓને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે મફત શિબિરોનું આયોજન કરવા જણાવ્યું. શ્રી ગડકરીએ કહ્યું કે શાળાઓ, કોલેજોમાં શિક્ષણ અને જાગૃતિ, એનજીઓ, સ્ટાર્ટ-અપ્સ, ટેક્નોલોજી પ્રોવાઈડર્સ, આઈઆઈટી, યુનિવર્સિટીઓ, ટ્રાફિક અને હાઈવે ઓથોરિટી સાથે સહયોગ એ માર્ગ સલામતી માટે સારી પ્રથાઓ ફેલાવવાનો માર્ગ છે.