Site icon Revoi.in

વાવાઝોડાના લીધે 24 કલાક દરમિયાન ગુજરાતના 206 તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો

Social Share

અમદાવાદઃ વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું ત્યારબાદ રાજ્યમાં અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક દરમિયાન  ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા. રાજ્યમાં ખેડા, ગીર-સોમનાથ, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ 4થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ખંભાત, ભરૂચ, લાઠી, ખેરગામ, વલસાડ, ધંધૂકા, ચૂડા, વાસો, તારાપુર, નડિયાદ, કામરેજ, બાબરા, રાણપુર, ચોટીલા, બરવાળા, ગઢડા, ખેડા, લોધિકા, માતર, વીંછિયા, મહુવા, તળાજા, ચીખલી, જેતપુર, ધોળકા, અંકલેશ્વર, કપરાડા, હળવદ, ગણદેવી, સોજીત્રા, થાનગઢ, ઘોઘા, અમરેલી, જેસર, જાલાપોર, લખતર, મહેમદાવાદ, મૂળી, આણંદ, ગીર-ગઢડા, રાજકોટ, ધરમપુર, મહુઆ, દસાડા, સાણંદ, બોરસદ, પેટલાદ, અમદાવાદ શહેર, બાવળા, આંકલાવ, જંબુસર, લીંબડી, પાદરા, ધ્રાંગધ્રા, ટંકારા સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

દરમિયાન ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે તાઉ-તે વાવાઝોડું ગત રાત્રિના ટકરાયું હતું. ઊર્જા વિભાગને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. 2.23 લાખ કિમી લાંબી વીજલાઇન છે, જેમાં 9 હજાર કિમી લાઇનને નુકસાન પહોંચ્યું છે. ગોંડલનાં 16 સબસ્ટેશન પૈકી 8 સબસ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યાં છે. બાકીનાં 8 સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 123 સબસ્ટેશન બંધ છે. મહુવામાં મોટું નુકસાન થયું છે. કચ્છ, જામનગર અને મોરબીના વીજકર્મીઓની મદદ લેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની ફોર્સને પણ ગીર-સોમનાથ, મહુવા સહિતના વિસ્તારમાં કામે લગાડવામાં આવશે.